Gujarat

રાજકોટનાં ફનવર્લ્ડમાં સ્લમ વિસ્તારનાં 500થી વધારે બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠી, સ્વ. પિતા વિજય રૂપાણીને પુત્ર ઋષભે યાદ કર્યા

રાજકોટના રેસકોર્સ ફનવર્લ્ડ ખાતે યોજાયેલા ‘બાલ સંગમ’ કાર્યક્રમમાં સ્લમ વિસ્તારના 500 થી વધુ ગરીબ બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠતા વાતાવરણ અત્યંત ભાવુક અને આનંદમય બની ગયું હતું. પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 29 વર્ષથી સ્વ. પૂજીત રૂપાણીના જન્મદિવસે યોજાતા આ કાર્યક્રમમાં આધુનિક રાઈડ્સની મજા માણી બાળકોના ચહેરા પર અનોખી ખુશી છવાઈ ગઈ હતી.

આ તકે લાલો ફિલ્મની હિરોઇન રિવા રાચ્છ પણ હાજર રહ્યા હતા. અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતા અને ભાઈની અવિરત સેવાભાવનાને યાદ કરતા જણાવ્યું કે, મારા સ્વ. પિતાની ખોટ હંમેશાં વર્તાશે, પણ તેમણે શરૂ કરેલી સમાજસેવાની સરવાણીને નિરંતર ચાલુ રાખવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. આ કાર્યક્રમમાં ડે. સીએમ હર્ષ સંઘવી વર્ચ્યુઅલી જોડાયા હતા. અને સ્વ. વિજય રૂપાણીની સાદગી અને સરળતાને યાદ કરી હતી.

રાજકોટ શહેરમાં પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના વંચિત બાળકો માટે વિશેષ ‘બાલ સંગમ’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પૂજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સ્વ. પૂજીત રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે આ બાલ સંગમ કાર્યક્રમની ઉજવણી કરે છે. આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. આ તકે સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’નાં હિરોઇન રિવા રાચ્છ હાજર રહ્યા હતા. અને બાળકો સાથે સંવાદ કરી તેમને અમુક મહત્વની શિખામણ આપી હતી.

રેસકોર્સ ફનવર્લ્ડ ખાતે આવી પહોંચેલા બાળકો માટે આ દિવસ અતિ આહલાદક અને યાદગાર બની રહ્યો હતો. સામાન્ય રીતે આધુનિક મનોરંજનથી વંચિત રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોએ ફનવર્લ્ડની વિવિધ આધુનિક રાઈડ્સમાં બેસીને ખૂબ જ મોજ-મસ્તી કરી હતી. રાઈડ્સમાં બેસવાનો અનોખો આનંદ મળતા ગરીબ બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને તેમના નિર્દોષ હાસ્ય તેમજ કિલકારીઓથી આખું ફનવર્લ્ડ ગુંજી ઉઠ્યું હતું. ટ્રસ્ટ દ્વારા બાળકોને રાઈડ્સની મજા કરાવવાની સાથે તેમની સાથે જ ભોજન લેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પણ સ્વ. વિજય રૂપાણીનાં પત્ની અંજલીબેન અને પુત્ર ઋષભએ ગરીબ બાળકો સાથે બેસીને ભોજન લીધું હતું.