Gujarat

ગોલાગામડીમાં સર્જાયેલા અકસ્માત, ખનીજ માફિયાઓ સામે ખનીજ વિભાગનું મૌન‎

સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે તાજેતરમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલા દર્દનાક અકસ્માત અને બેફામ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કડક પગલાં ભરવા અંગે ગોલા ગામડી ગ્રામ પંચાયતના સરપંચ તથા ગ્રામજનો દ્વારા સંખેડા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.

જેમાં જણાવ્યા અનુસાર, ગણેશ વિસર્જનના પ્રસંગે ગામના અને આજુબાજુના લોકો ગણપતિજીની મૂર્તિ વિસર્જન માટે જઈ રહ્યા હતા ત્યારે ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર રેતી ભરેલા ટેન્કરના ડ્રાઇવરે ગંભીર અને બેફિકરાઈપૂર્વક હંકારીને કુલ 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતું.

ગ્રામજનોએ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની ભૂમિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અકસ્માત સર્જનાર આરોપી સ્થળ પર જ પકડાઈ ગયો હોવા છતાં સંખેડા પોલીસે એફઆઈઆરમાં તેને અજાણ્યો બતાવ્યો છે અને હિટ એન્ડ રન તથા ખાણ-ખનીજ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર સામાન્ય અકસ્માતની કલમો દાખલ કરી આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિરોધ દર્શાવ્યો છે.

આ ઉપરાંત, ગામડી ચોકડી ખાતેની ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટના અધિકારીઓ ખનન માફિયાઓ સામે બેદરકારી દાખવીને આંખ આડા કાન કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે.