Gujarat

દેવચંદાની ગામ પાસે તાડપત્રી ભરેલી ટ્રક પલટી ગઈ, ચાલક-ક્લીનરનો બચાવ

ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી રાયગણ નદીના પુલ પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ તાડપત્રી ભરીને જઈ રહેલી એક ટ્રક પુલની રેલિંગ તોડીને અંદાજે ૧૦ ફૂટથી વધુ ઊંડા નદી કિનારાના વિસ્તારમાં પલ્ટી ગઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે.

આ ઘટના આજે સવારના અંદાજે ૬:૩૦ થી ૭:૦૦ વાગ્યાના અરસામાં ઉચ્છલ-નિઝર રોડ પર આવેલા દેવચંદાની ગામની સીમ પાસેથી પસાર થતી વખતે બની હતી. ટ્રકચાલકને ઊંઘની ઝાપકી આવી જવાના કારણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ટ્રક પુલ પરથી નીચે ખાબકી હતી. ટ્રકનો નંબર MH.18.BZ.4021 હતો.

અકસ્માતની તીવ્રતા એટલી હતી કે પુલની સુરક્ષા રેલિંગને વ્યાપક નુકસાન થયું હતું અને ટ્રક પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, વહેલી સવારનો સમય હોવાને કારણે અને નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ટ્રકમાં સવાર ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રકના ડ્રાઇવરે જણાવ્યું હતું કે વાહન વાપીથી તાડપત્રીનો જથ્થો ભરીને ઇન્દોર ખાલી કરવા જઈ રહ્યું હતું. આ ઘટનાને પગલે ઉચ્છલ-નિઝર રોડ પર થોડા સમય માટે લોકો એકઠા થયા હતા, અને પ્રશાસને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.