કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા દેશભરમાં ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (TUFS) હેઠળ અપાયેલી સબસિડીમાં અત્યાર સુધીની સૌથી મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી છે. મંત્રાલય દ્વારા દેશભરમાંથી શંકાસ્પદ જણાતી અંદાજે 7 હજાર જેટલી ફાઈલોમાં તપાસ કરીને રૂ. 5100 કરોડની સબસિડી રિકવરી કાઢવામાં આવી છે.
આ તપાસનો સૌથી મોટો સપાટો સુરત પર બોલ્યો છે. દેશની 7 હજાર પૈકી અંદાજે 3500 ફાઈલ એકલા સુરતના ઉદ્યોગકારોની હોવાનું ટેક્સટાઈલ મંત્રાલયના સુત્રો જણાવી રહ્યાં છે. જેના કારણે માત્ર સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પાસેથી અંદાજે રૂ. 2500 કરોડથી વધુની વસૂલાત કાઢવામાં આવે તેવી સંભાવના છે.
મંત્રાલયના આ આકરા પગલાંથી સુરતના કાપડ ઉદ્યોગકારોની ઊંઘ ઉડી ગઈ છે. કારણ કે મંત્રાલયે માત્ર સબસિડીની મૂળ રકમ પરત માંગવા પૂરતું સીમિત નથી રાખ્યું, પરંતુ જે વર્ષથી સબસિડી ચૂકવવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળા માટે દર વર્ષે 10% લેખે ભારે પેનલ્ટી અને વ્યાજ પણ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે.
મશીનરી ઉત્પાદકોની રજૂઆત બાદ રેન્ડમ તપાસ થઈ હતી. દેશમાં મશીનરી બનાવતા ભારતીય ઉત્પાદકો દ્વારા કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી કે, ટફ (TUFS) યોજનાનો લાભ લેનારા અનેક ઉદ્યોગકારોએ સ્થાનિક કે પરદેશી જૂના મશીનો ખરીદીને તેને નવેસરથી બતાવી ખોટી સબસિડી મેળવી છે.

