Gujarat

વાડીમાં છુપાવેલા 4 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

​જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં છુપાવી રાખેલી 1390 નંગ વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે અને સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે, અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો ​જૂનાગઢમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ વજરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી.

આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં આવેલી હરેશ લખમણભાઈ ભાદરકાની વાડીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના ભરત હમીરભાઈ રાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો.