અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક 2 આઇસર ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાદ ટ્રકમાં આગ લાગતા બે લોકોમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. અકસ્માતના લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

ગોધરા તરફથી આવતી કેમિકલ ટ્રકની જોરદાર ટક્કર મળતી માહિતી મુજબ, ગોધરા તરફથી પૂરઝડપે આવી રહેલી કેમિકલ ભરેલી આઈસર ટ્રકે હાઈવેની સાઈડમાં ઉભેલી ટ્રકને પાછળથી જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કેમિકલના જ્વલનશીલ પદાર્થને કારણે ક્ષણવારમાં જ ભયાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.
આગની જ્વાળામાં કેમિકલ ભરેલા ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. અને કેબિનમાં ફસાઈ ગયા હતા અને જોતજોતામાં આગમાં જીવતા ભૂંજાયા હતા. જેના કારણે ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.બીજી તરફ, પાછળથી વાગેલી ટક્કર અને આગના કારણે બીજી ટ્રકમાં રહેલો પ્લાયવુડનો જથ્થો પણ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે તે ટ્રકના મુખ્ય ભાગને વધુ નુકસાન પહોંચ્યું ન હતું.

