Gujarat

સુરતમાં લેન્ડ ગ્રેબિંગના બે અલગ-અલગ કિસ્સા

સુરત શહેરમાં પ્રોપર્ટી પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેવાના બે મોટા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. ભેસ્તાન વિસ્તારમાં એક વિધવા મહિલાની 14 રૂમની ચોલ પર છેલ્લા નવ વર્ષથી એક શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી તેને ભાડે આપી દીધી હોવાની અને રાંદેરમાં એક 60 વર્ષીય રિક્ષાચાલકના ફ્લેટ પર અન્ય શખ્સે કબ્જો જમાવી મકાન ખાલી ન કરતા હોવાની ફરિયાદો નોંધાઈ છે. આ બંને મામલે ભેસ્તાન અને રાંદેર પોલીસે મળીને કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે શહેરમાં સામાન્ય નાગરિકોની મિલકત પચાવી પાડતા તત્વો કેટલા બેફામ બન્યા છે.

ભેસ્તાનમાં વિધવાની 14 રૂમની ચોલ પર ગેરકાયદે કબ્જો પ્રથમ કિસ્સામાં ભેસ્તાનના કેશવનગરમાં રહેતા વિધવા કવિતાબેન સુરેશભાઈ પાટીલે ફરિયાદ નોંધાવી છે. તેમની ભેસ્તાન ગામના સર્વે નંબર 118માં ચલીયાવાલા એસ્ટેટમાં 190.44 ચોરસ મીટરની જગ્યામાં 14 રૂમની મિલકત આવેલી છે. માર્ચ 2017થી દિલીપ ઉર્ફે દિલાવર સુધાકર રાઠોડ નામના શખ્સે આ રૂમો પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. આરોપી દિલીપે આ રૂમો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા અને 2017થી લઈને 2026 સુધી સતત ભાડું ઉઘરાવી પોતાના ખિસ્સામાં નાખ્યું હતું. કવિતાબેન દ્વારા મકાન ખાલી કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હતો.

નવ ભાડૂઆતોએ પણ મકાન ખાલી ન કરતા 10 સામે ગુનો દાખલ આ ચોલમાં રહેતા ભાડૂઆતોને જ્યારે અસલી મકાનમાલિક કવિતાબેને ભાડું આપવા અથવા તો રૂમ ખાલી કરી દેવા જણાવ્યું ત્યારે ભાડૂઆતોએ પણ મનમાની ચલાવી હતી. દિલીપ રાઠોડ દ્વારા રખાયેલા રાજપત પાલ, જગદીશ મનસૌરે, સાહીલ રોકડે, દિલીપ ભાલસે, ગણેશ વડસાડે, સોનું પાલ, રેશમબેન રોકડે, કલાબાઈ ગાયકવાડ અને ભગવતીબેન ભાલસે સહિતના લોકો વર્ષોથી અહીં પરિવાર સાથે રહે છે. આ તમામ નવ ભાડૂઆતોએ ભાડું ચૂકવવાનો કે રૂમ ખાલી કરવાનો ઇનકાર કરી દેતા આખરે કવિતાબેને મિલકત પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો રાખવા બદલ ભેસ્તાન પોલીસ મથકમાં દિલીપ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.