ઉના પોલીસે બાઇક ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી ચોર ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી ચોરી કરેલા બાઇકના પાર્ટ્સ અલગ કરીને ભંગારમાં વેચી દેતી હતી. પોલીસે એક સગીર સામે પણ કાર્યવાહી કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.
મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ ઉકેલવાની ઝુંબેશના ભાગરૂપે ઉના પોલીસને આ સફળતા મળી છે. નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના સુપરવિઝન હેઠળ, ઉના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરીએ સર્વેલન્સ ટીમને કામે લગાડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચી.
ઉના સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઈ. ભાવેશભાઈ જોરુભા, હરપાલસિંહ, સુનીલભાઈ, અનિલભાઈ, રાહુલભાઈ, રવિસિંહ અને અશોકભાઈ સહિતની ટીમે અમોદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
ઉના નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા, સીમર ગામે બાબા આશ્રમ પાસે ભરત કાળુ ચૌહાણ (રહે. સીમ પ્લોટ વિસ્તાર, ઉના) અને શકીલ હનીફ સરવૈયા (રહે. વ્યાજપુર, ઉના) બાઇક સાથે ઊભા હતા. તેમની પૂછપરછ કરતા ચાર બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

