Gujarat

વિજાપુર નાયી સમાજના કાર્યક્રમમાં સ્ત્રી સશક્તિકરણ, સંસ્કાર પર ભાર મૂકાયો

શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ વિજાપુર દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક જાગૃતિના હેતુથી મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત ‘નારી તું નારાયણી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાશક્તિ અને સમાજ જાગૃતિનો સંદેશ ગુંજાવ્યો હતો. સમાજના માનદ મંત્રી શરદભાઈ શર્માએ સ્વાગત પ્રવચન આપ્યા બાદ નાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ થતાં વાતાવરણ ભાવવિભોર બન્યું હતું. આ પ્રસંગે પંકજભાઈ કે. નાયીની સમાજના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાઇ હતી.

ગાંધીનગરનાં ડૉ. વર્ષાબેન પરીખે પોતાના સંઘર્ષમય જીવનપ્રસંગો રજૂ કરી મહિલાઓને આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે, સ્ત્રી ગમે તે ક્ષેત્રમાં કાર્ય કરતી હોય, પોતાની અસ્મિતા અને સંસ્કાર જાળવી રાખવા અત્યંત જરૂરી છે. સાથે જ સંતાનોના ઉછેરમાં માતાની મહત્વપૂર્ણ ભૂમિકા અને મોબાઈલના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

મહેસાણાનાં ભારતીબેન પટેલે મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દીકરી યોજના, અભયમ 181 હેલ્પલાઈન સહિતની સેવાઓ વિશે માહિતી આપી હતી. જ્યારે વનિતાબેન પટેલ (VHP)એ મહિલાઓના સ્વાસ્થ્ય, સંસ્કાર અને દીકરીઓ માટે HPV વેક્સિન અંગે જાગૃતિ ફેલાવી હતી.