Gujarat

દેળીયા તળાવમાં પાણી ભરવા દસ ફુટ જોઇન્ટ મરાયા

વિસનગર તાલુકાના દેળીયા તળાવમાં પાણી ભરવા ધરોઇની મુખ્ય લાઇનમાં જોઇન્ટ આપવાની કામગીરી આખરે 10 મહિના બાદ હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા વર્ષ 2021માં ધરોઇ કેનાલથી દેળીયા તળાવ ભરવા રૂ.1.32 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવા ટેન્ડર કરાયું હતું. જેમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની પાઇપો નાખતાં કામ અટકાવી ટેન્ડર રદ કરી નખાયું હતું. રી-ટેન્ડરીંગ બાદ ગત ઉનાળામાં કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન નાખી હતી. પરંતુ, કેનાલથી 10 ફૂટ જેટલા અંતરે પાઇપ નાખી જોઇન્ટ માર્યો ન હતો.

10 મહિના બાદ સોમવારે તંત્ર દ્વારા આ જોઇન્ટની કામગીરી હાથ ધરાતાં સ્થાનિક ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. વિલંબ અંગે પૂછતાં પાલિકા જોઇન્ટ કરવા ધરોઇ વિભાગ મંજૂરી આપ તો ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ધરોઇ વિભાગે ક્રોસિંગની મંજૂરી માટે પાલિકામાં પત્રક મોકલ્યા બાદ ઓફલાઇન ટર્મ એન્ડ કંડીશનમાં પાલિકાને ભરવાના થતા પૈસા હજુ સુધી ભરાયા ન હોવાનું જણાવ્યું હતું.