Gujarat

વડાલના હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, ₹3.47 લાખના મુદ્દામાલ સાથે 17 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

​જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ભરવાડપા વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં ચાલતા વરલી મટકા અને આંક ફરકના એક મોટા ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ સફળ દરોડો પાડ્યો છે. આ રેઇડ દરમિયાન પોલીસે જુગાર રમતા અને રમાડતા કુલ 17 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે જુગારધામનો મુખ્ય માલિક અને પોરબંદરનો આંકડા કાપનાર શખ્સ સહિત 3 આરોપીઓ ફરાર જાહેર કરાયા છે.

પોલીસની આ કાર્યવાહીમાં જુગારના પટમાંથી તેમજ શખ્સો પાસે કુલ 3,47,865/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 1,36,665/- ની રકમ, 14 નંગ મોબાઈલ ફોન, 4 મોટરસાયકલ અને હિસાબ કરવા માટેના કેલક્યુલેટર તથા અન્ય સાહિત્યનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ તંત્રને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી જૂનાગઢ પંથકના જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જુગારના અડ્ડા પર નાસભાગ મચી ગઈ હતી ​​સ્ટેટ મોનીટરીંગ સેલના ગુલાબસિંહ રૂમાલજી તરારને વડાલ ગામમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વડાલથી ભીયાદ રોડ પર આવેલા ભરવાડપા ઉપરવાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી જુગારના અડ્ડા પર નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી બહારના વિસ્તારમાંથી આવેલા માણસો પૈસાની હાર-જીતનો વરલી મટકા અને આંક ફરકનો સંગઠિત જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા.