જામનગર જિલ્લાના નવાનાગના ગામે મહિલાઓના અધિકારો, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જનજાગૃતિ લાવવા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ગામની બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કલ્યાણકારી યોજનાઓ અને કાયદાકીય અધિકારોની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન સુનિલ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, મહિલાઓના સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ માટે સમાજના દરેક વર્ગનો સહયોગ અનિવાર્ય છે. નારી શક્તિ આત્મનિર્ભર બને તે માટે કાયદાકીય જાગૃતિ ખૂબ જ જરૂરી છે.

આ શિબિરમાં તાલુકા પંચાયત સદસ્ય બળદેવ રાઠોડ, સરપંચ કિરણબેન રાઠોડ, ઉપસરપંચ કિશોર નકુમ અને સભ્ય ગોવિંદ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં ઉપસ્થિત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. પૂજાબેન ડોડીયાએ પારિવારિક હિંસાથી મહિલાઓના રક્ષણ માટેના કાયદાકીય પ્રાવધાનો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હિંસા મુક્ત, સુરક્ષિત અને સશક્ત સમાજના નિર્માણમાં ઘરેલું હિંસા અધિનિયમ-2005 એક મહત્વપૂર્ણ સાધન સાબિત થઈ રહ્યું છે.

દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગરે મહિલાઓને કાયદા હેઠળ ઉપલબ્ધ વિવિધ સુરક્ષાત્મક અધિકારો અને સરકારી સહાય સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

