Gujarat

દડીયાના ખેડૂતનો નવતર પ્રયોગ, 5 વીઘામાં હળદર તુવેર-ગલગોટાનું વાવેતર

જામનગર તાલુકાના દડીયા ગામના એક જાગૃત ખેડૂતે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે. ખેતીને વધુ નફાકારક બનાવવા માટે તેમણે પરંપરાગત પદ્ધતિથી હટીને ””ડબલ પાક”” એટલે કે બહુવિધ પાકની ખેતીની નવતર શરૂઆત કરી છે.

તેમણે આશરે પાંચ વીઘા જમીનમાં હળદરના મુખ્ય પાકની સાથે તુવેર અને હજારી ગોટા (ગલગોટા)નું આયોજનબદ્ધ વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દડીયા ગામના આ ખેડૂત ભાવેશભાઈ નંદા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, છેલ્લા થોડા વર્ષોથી હળદરનું વાવેતર કરીને તમામ પ્રોસેઝર કરીને હળદરનો પાવડર બનાવીને વેંચાણ કરે છે. જેથી આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન માસમાં જ પોતાની પાંચ વીઘા જમીનમાં હળદરની માતૃગાંઠનું વાવેતર કર્યું હતું.

સામાન્ય રીતે હળદરનો પાક તૈયાર થતાં લાંબો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે તેમણે હળદરની વચ્ચે તુવેર અને હજારી ગોટાનું પણ વાવેતર કરી દીધું હતું.આ આયોજનની મુખ્ય વિશેષતા એ છે કે હળદરનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલાં જ હજારી ગોટાનું વિપુલ ઉત્પાદન મેળવીને બજારમાં વેચાણ કરી લેવામાં આવે છે.

ત્યારબાદ હળદરનો પાક તૈયાર થશે અને હળદરની લણણી પૂરી થયા પછી તુવેરનો પાક પણ મેળવવામાં આવશે. આમ, એક જ ખેતરમાંથી તબક્કાવાર રીતે ત્રણ જુદા જુદા પાક મેળવીને ખેડૂતે સમય અને જમીન બંનેનો મહત્તમ ઉપયોગ કર્યો છે.