International

નેપાળના હિમ્લંગ હિમાલ શિખર પર હિમસ્ખલન: ૨ના મોત, ૧૦ લાપતા

પાડોશી દેશ નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા હિમલંગ હિમાલ શિખર પર હિમસ્ખલન થવાથી બે લોકોના મોત થયા હતા અને અન્ય ૧૦ લોકો ગુમ થયા હતા.

નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭,૧૨૬ મીટર ઊંચા હિમલંગ હિમાલ શિખરના બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઈ ગયો હતો, જેમાં નવ પર્વતારોહકો અને ૧૩ સહાયક કર્મચારીઓ આશરો લઈ રહ્યા હતા.

ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ શૈલેન્દ્ર થાપાના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ લગભગ ૧૨ લોકો ગુમ થઈ ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે બાદમાં શિખર પરથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય ૧૦ લોકો ગુમ હતા.

થાપાના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા તમામ લોકો નેપાળના નાગરિકો છે.

તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું.

ૐૐદ્ગ (હિમાલયન હોલિડેઝ નેપાળ) ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકો ૐૐદ્ગ અને ‘ઈમેજિન નેપાળ ટ્રેક્સ‘ સાથે સંકળાયેલા હતા; હિમસ્ખલન બાદ તેમનો તેમના સાથીદારો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

અધિકારીએ કહ્યું, “એક અભિયાન સભ્યએ ફોન કરીને જાણ કરી હતી કે બેઝ કેમ્પ પર હિમસ્ખલન થયા બાદ તેમના મિત્રો ગુમ થઈ ગયા છે.”

અધિકારીના જણાવ્યા અનુસાર, અભિયાનના સભ્યએ કહ્યું કે ઘટના બાદ તેઓ વિખેરાઈ ગયા હતા અને અન્ય લોકો વિશે કોઈ માહિતી નથી.

નેપાળના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જનરલ રામ કૃષ્ણ લામિછાને જણાવ્યું હતું કે સત્તાવાળાઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આ ઘટના નેપાળના પહાડી જિલ્લાઓમાં સતત વરસાદ અને હિમવર્ષા વચ્ચે બની છે, જેના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.