રૂ. ૧૦ કરોડથી વધુ કિંમતનું આશરે ૬.૬ કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું; માસ્ટરમાઇન્ડ સહિત ૧૧ લોકોની ધરપકડ
નેટવર્કે છેલ્લા નવ મહિનામાં કુરિયર ચેનલો દ્વારા રૂ. ૪૭૫ કરોડની કિંમતના ૩૧૮ કિલો સ્મગલિંગ કરાયેલા સોનાનું પરિવહન કર્યું હતું
સંગઠિત ગોલ્ડ સ્મગલિંગ સામે પોતાની સતત કાર્યવાહી ચાલુ રાખતા, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ એ રૂ. ૧૦.૩૬ કરોડથી વધુ કિંમતના ૬.૬૧ કિલો વિદેશી મૂળના સ્મગલિંગ કરાયેલા સોનાની જપ્તી સાથે ઓલ-ઈન્ડિયા ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.
આ સિન્ડિકેટ કુરિયર નેટવર્ક દ્વારા ઓપરેટ થતી હતી અને તેણે છેલ્લા નવ મહિનામાં કુરિયર ચેનલો દ્વારા રૂ. ૪૭૫ કરોડની કિંમતના ૩૧૮ કિલો સ્મગલિંગ કરાયેલા સોનાનું પરિવહન કર્યું હતું. મુખ્ય સૂત્રધારોમાંના એક સહિત અગિયાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારત-બાંગ્લાદેશ સરહદ દ્વારા વિદેશી મૂળના સોનાની નિયમિત તસ્કરી અને ત્યારબાદ કુરિયર કન્સાઇનમેન્ટ દ્વારા દેશના વિવિધ ભાગોમાં તેના પરિવહન અંગેની ચોક્કસ બાતમી પર કાર્યવાહી કરતા, ડીઆરઆઈએ ૨૩–૨૪.૦૯.૨૦૨૬ ના રોજ એક સુયોજિત મલ્ટિ-સિટી ઓપરેશન શરૂ કર્યું હતું. મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ગુવાહાટી ખાતે એકસાથે કાર્યવાહી કરી દરોડા પાડવામાં આવ્યા હતા.
ઓપરેશન દરમિયાન, મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં ડિલિવરી માટે ગુવાહાટી અને કોલકાતાથી બુક કરાયેલા સ્મગલિંગ કરાયેલા સોનુ ધરાવતા લાઈવ કુરિયર કન્સાઇનમેન્ટને રોકવામાં આવ્યા હતા. કન્સાઇનમેન્ટ મેળવનારા સાત લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કોલકાતામાં કન્સાઇનર્સ/શિપર્સના પરિસરમાં પાડવામાં આવેલા દરોડામાં વધુ ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. એક ઝડપી ફોલો-અપ કાર્યવાહીમાં, સ્મગલિંગ કરાયેલા સોનાના ડિસ્પેચ અને ડિલિવરીનું સંકલન કરતા મુખ્ય સૂત્રધારોમાંના એકની મુંબઈમાં અટકાયત કરવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટ ગુવાહાટી અને કોલકાતાથી મુંબઈ, દિલ્હી અને અમદાવાદના વિવિધ પ્રાપ્તકર્તાઓને સ્થાનિક બજારમાં નિકાલ કરવા માટે મોકલવા અર્થે સ્મગલિંગ કરાયેલા સોનાને નાના-નાના કુરિયર કન્સાઇનમેન્ટમાં વિભાજિત કરતી હતી. કન્સાઇનર્સ/શિપર્સ અને પ્રાપ્તકર્તાઓ કોઈ પણ કાયદેસરના સોનાના વ્યવહારો વગરના કાગળ પરના એકમો/વ્યક્તિઓ હોવાનું જણાયું હતું, જે સ્મગલિંગ કરાયેલા સોનાને છુપાવવા અને વિતરિત કરવા માટે કુરિયર નેટવર્કનો જાણીજાેઈને કરાયેલો દૂરુપયોગ દર્શાવે છે.
અંદાજે રૂ. ૧૦.૩૬ કરોડની કિંમતનાં બાર (લગડી) સ્વરૂપમાં કુલ ૬.૬૧ કિલો વિદેશી મૂળનું સોનું રોકવામાં આવેલા કન્સાઇનમેન્ટમાંથી પુન:પ્રાપ્ત કરવામાં આવ્યું હતું અને કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની સંબંધિત જાેગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. સિન્ડિકેટ સાથે સંકળાયેલા અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, દસ્તાવેજી પુરાવાની પ્રાથમિક તપાસમાં સિન્ડિકેટના કામકાજનું આશ્ચર્યજનક પ્રમાણ સામે આવ્યું છે: વર્તમાન કેલેન્ડર વર્ષના માત્ર નવ મહિનામાં જ, અંદાજે રૂ. ૪૭૫ કરોડની કિંમતનું લગભગ ૩૧૮ કિલો સ્મગલિંગ કરાયેલું સોનું આ જ કુરિયર આધારિત નેટવર્ક દ્વારા ટ્રાન્સપોર્ટ અને ડિલિવર કરવામાં આવ્યું હતું. આગળની તપાસ ચાલુ છે.
આ ઓપરેશન સપ્લાય ચેઈનના દરેક તબક્કે સંગઠિત ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કને તોડી પાડવા પર ડીઆરઆઈના સતત ફોકસને રેખાંકિત કરે છે, જેમાં દેશભરમાં સ્મગલિંગ કરાયેલા સોનાના વિતરણ માટે બિન-પરંપરાગત લોજિસ્ટિક્સ અને કુરિયર ચેનલોનો ઉપયોગ પણ સામેલ છે.

