સમગ્ર દેશમાં હાલના સમયે એક તરફ અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે, અમુક રાજ્યોમાં ચોમાસું હજી પૂરી રીતે શરૂ થયું નથી, ત્યાં જ હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪થી ૪૮ કલાક માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી ૨થી ૩ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાવા, કરા પડવા અને ભારે વરસાદ થવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જાેતાં હવામાન વિભાગે ‘રેડ ઍલર્ટ‘ જાહેર કર્યું છે. જાેકે, આ ભયંકર તોફાન અને વરસાદની વચ્ચે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે, કારણ કે તાપમાનમાં સીધો ૬થી ૮ ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાશે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ માટે ખાસ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્ય માટે આજનો દિવસ ઘણો જાેખમી સાબિત થઈ શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ૮૦થી ૧૦૦ કિમી/કલાકની વિનાશક ઝડપે ભારે વાવાઝોડું આવવાની શક્યતા છે, જેની સાથે મુશળધાર વરસાદ અને કરા પણ પડી શકે છે. બીજી તરફ, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે ૭૦થી ૮૦ કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને કરા પડશે. આ ખરાબ હવામાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેમાં ૩૦ મેના રોજ આખા ઉત્તર પ્રદેશમાં ૫૦થી ૬૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ૩૧ મેના રોજ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેશની રાજધાની દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં ૭૦થી ૮૦ કિમી/કલાકની ઝડપે જાેરદાર તોફાન આવવાની, કરા પડવાની અને ભારે વરસાદની આશંકા છે, જે ૩૦ મેના રોજ પણ ચાલુ રહેશે. બીજી તરફ, બિહારમાં આજે કેટલીક જગ્યાએ ભારે વરસાદ સાથે ૬૦થી ૭૦ કિમી/કલાકની ઝડપે તેજ વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી અપાઈ છે. બિહારમાં ૩૦ મેના રોજ પણ ધૂળની ડમરીઓ પાવ ફૂકાશે, જ્યારે ૩૧ મે અને ૧ જૂને હળવોથી મધ્યમ વરસાદ પડશે. પાડોશી રાજ્ય ઝારખંડમાં પણ આજે અને ૩૧ મે દરમિયાન ૫૦થી ૬૦ કિમી/કલાકની ઝડપે તોફાન આવી શકે છે અને ૧થી ૩ જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે.
હવામાન વિભાગ મુજબ પહાડી રાજ્યોમાં ઉત્તરાખંડમાં આજે કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે, જેના કારણે ૩૦ મે સુધી પહાડી વિસ્તારોમાં હવામાન ખરાબ રહેશે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ કરા પડવાની સાથે ૫૦થી ૬૦ કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાનું અનુમાન છે. પહાડો પર થઈ રહેલી આ કુદરતી હલચલને કારણે મેદાની વિસ્તારો તરફ ઠંડી હવાઓ આવશે, જેનાથી તાપમાનનો પારો ગગડશે.
સાથેજ હવામાન વિભાગે તે પણ સ્પષ્ટ કર્યું છે કે, આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં લૂ(હીટવેવ)ની છેલ્લી અસર જાેવા મળશે. ત્યારબાદ આજે અને આવતીકાલે આખા મધ્ય પ્રદેશમાં કરા પડવા અને ૫૦-૬૦ કિમી/કલાકની ઝડપે તોફાન આવવાનું ઍલર્ટ છે. આ ઉપરાંત ૩૧ મેના રોજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ છત્તીસગઢમાં પણ આજથી ૩૧ મે દરમિયાન ૫૦થી ૬૦ કિમી/કલાકની ઝડપે આંધી-તોફાન આવવાની આશંકા છે, જેનાથી ગરમીનો પ્રકોપ ઓછો થશે અને ૧ જૂને પણ અહીં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

