કોંગ્રેસને ઝટકો આપીને ભાજપે ૪૩ મતો સાથે મેયરની ચૂંટણી જીતી
તમામ ૧૧ અપક્ષ ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન
રાજસ્થાનમાં હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરીવાર મોટા પક્ષ તરીકે ઉભરી આવેલી કોંગ્રેસ માટે એક મોટો ફટકો સાબિત થતી ઘટનામાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અજમેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરનું પદ હાંસલ કર્યું. સોમવારે (૨૧ સપ્ટેમ્બર) યોજાયેલી મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ૪૩ મત મળ્યા, જેમાં તમામ ૧૧ અપક્ષ કાઉન્સિલરોએ પક્ષની તરફેણમાં મતદાન કર્યું હતું.
સ્થાનિક ચૂંટણી બાદ અજમેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પાસે ૩૨ કાઉન્સિલરો હતા, પરંતુ મેયર પદના મતદાનમાં તેમની સંખ્યા વધીને ૪૩ થઈ ગઈ, જે દર્શાવે છે કે તમામ ૧૧ અપક્ષ સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસને ૩૭ મત મળ્યા હતા.
સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં આ પરિણામ આવ્યું છે. અજમેર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ૮૦ વોર્ડના પરિણામો ૧૪ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસે ૩૭ વોર્ડ, ભાજપે ૩૨ અને અપક્ષ ઉમેદવારોએ ૧૧ વોર્ડ જીત્યા હતા.
પાલીમાં ભાજપના મેયર
અગાઉ, રાજસ્થાનના પાલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૨ વધારાના કાઉન્સિલરોનું સમર્થન મળ્યા બાદ ભાજપે મેયરનું પદ હાંસલ કર્યું હતું. મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નમિતા બુબકિયાને ૩૩ કાઉન્સિલરોનું સમર્થન મળ્યું હતું, જ્યારે અપક્ષ ઉમેદવાર રાજબાલા હીગડને ૨૯ મત મળ્યા હતા; તેઓ માત્ર ૪ મતના નજીવા અંતરથી હારી ગયા હતા.
દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રા જૈનને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોર્પોરેશનમાં ૨૯ ચૂંટાયેલા વોર્ડ કાઉન્સિલરો હોવા અને સૌથી મોટો પક્ષ હોવા છતાં, ‘ક્રોસ-વોટિંગ‘ને કારણે અંતિમ મેયર પદના મતદાનમાં પક્ષને માત્ર ૩ મત જ મળ્યા હતા. મેયરનું પદ મેળવવામાં ભાજપ માટે વધારાના કાઉન્સિલરોનું સમર્થન નિર્ણાયક સાબિત થયું.
પાલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ૬૫ વોર્ડના પરિણામો ચૂંટણી પંચ દ્વારા ૧૪ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ૨૯ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવી હતી, જ્યારે ભાજપે ૨૧ વોર્ડ જીત્યા હતા. જાેકે, અપક્ષ ઉમેદવારોએ ૧૫ બેઠકો જીતી લીધી હતી, જેનાથી સમગ્ર ચૂંટણી સમીકરણ રસપ્રદ બની ગયું હતું.
ઉદયપુરના મેયર તરીકે ભાજપના પારસ સિંઘવી ચૂંટાયા
દરમિયાન, જિલ્લા ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે ભાજપના પારસ સિંઘવી ઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા હતા. સિંઘવીએ ૫૫ મત મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૨૫ મત મળ્યા હતા. બે અપક્ષ કાઉન્સિલરોએ પણ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું હતું. રાજસ્થાનમાં ઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો ૧૪ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપે ૮૦ વોર્ડમાંથી ૫૩ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ ૨૩ બેઠકો મેળવવામાં સફળ રહી છે.
અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભાજપ છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ઉદયપુરના સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે. ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી પહેલાં યોજાયેલી આ ચૂંટણીઓને સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ માટે એક મોટી કસોટી તરીકે જાેવામાં આવી હતી.

