National

વડોદરા કારેલીબાગ હિટ એન્ડ રન કેસ: પોલીસે સીસીટીવીની મદદથી i20 કારચાલકને ઝડપી પાડ્યો

થોડા દિવસ અગાઉ ત્રણ વિદ્યાર્થીઓને શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હરણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર i20 કાર અને તેના ચાલકને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોતના બનાવમાં હરણી પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને એમ.વી. હોલમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓ મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની સાથે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી, જેમાં એક વિદ્યાર્થીની હાલત અત્યંત ગંભીર બની હતી.

આ બનાવ અંગે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માતના કારણો અને જવાબદાર વાહનની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર ૈ૨૦ કારની ઓળખ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અકસ્માત બાદ નંબર પ્લેટ વગરની i20 કાર હાલોલ તરફ જતી જાેવા મળી હતી. ત્યારબાદ પોલીસે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ તપાસના આધારે કારના રૂટ અંગે માહિતી એકત્રિત કરી હતી.

અકસ્માતની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, અકસ્માત બાદ હાલોલ નજીક ૈ૨૦ કાર બ્રેકડાઉન થઈ ગઈ હતી. ત્યારબાદ કારચાલકે વાહનને ખસેડવા માટે ટોઇંગ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. ટોઇંગ સર્વિસ મારફતે મળેલી માહિતીના આધારે પોલીસે વાહન સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. બાદમાં પોલીસે ૈ૨૦ કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ તપાસના આધારે ૨૧ વર્ષીય હર્ષ મેડાની ઓળખ અકસ્માત સર્જનાર કારચાલક તરીકે થઈ હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારને ફોરેન્સિક અને અન્ય તકનીકી તપાસ માટે પણ જપ્ત કરી છે. સમગ્ર ઘટનામાં અકસ્માતના ચોક્કસ કારણો, વાહનની ગતિ સહિતના મુદ્દાઓની વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

હરણી પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ તપાસ અને ટોઇંગ સર્વિસ પાસેથી મળેલી માહિતીના આધારે અકસ્માત સર્જનાર કારચાલકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.