સુરત
સુરતની કરંજ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે મનોજ સોરઠિયાને લાવવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ દરેક પક્ષ પોતાની રીતે ઝડપથી ઉમેદવારો નક્કી કરવા માટે પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી તરફથી પણ હવે ઝડપથી એક બાદ એક ઉમેદવારો ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મનોજ સોરઠિયાનું નામ વરાછા, ઓલપાડ બેઠક ઉપરથી સર્વેમાં સામે આવ્યું ન હતું. હવે તેમને કરંજ બેઠક પરથી લડવાનું નક્કી થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગણપતિ ઉત્સવમાં થયેલા હુમલામાં મનોજ સોરઠિયાનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદથી મનોજ સોરઠિયા વધુ ચર્ચામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા મનોજ સોરઠિયા પાટીદાર હોવાને કારણે કરંજ બેઠક ઉપર તેનો સીધો લાભ મળી શકે એમ છે. સીધી રીતે કહીએ તો ઓબીસી અને પાટીદાર મતદારો વધુ હોવાને કારણે બે જ વિકલ્પ હોય છે કાં તો પાટીદાર ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા અથવા તો ઓબીસી ઉમેદવાર પસંદ કરવામાં આવે. આમ આદમી પાર્ટી દ્વારા મનોજ સોરઠિયાની પસંદગી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ પણ પાટીદાર ચહેરો ઉતારશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. પાટીદાર મતદારોને પોતાના પક્ષે કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગણપતિ ઉત્સવ દરમિયાન મનોજ સોરઠિયા ઉપર થયેલા જીવલેણ હુમલાને કારણે મનોજ સોરઠિયા લોકોમાં ચર્ચામાં આવી ગયા હતા. ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા જ્યારે સુરતની અલગ અલગ બેઠકો ઉપર લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે મનોજ સોરઠિયા પણ હવે સ્પર્ધામાં પાછળ રહેવા માંગતા નથી. કરંજ બેઠક ઉપરથી મનોજ સોરઠિયા પાટીદાર ચહેરા તરીકે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારશે. મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટી રાજ્ય એકમના જનરલ સેક્રેટરી અને ગુજરાતમાં પાર્ટી સંગઠનનું કામ કરી રહ્યા છે. વિધાનસભા ૨૦૧૨માં કોંગ્રસના નબળા ઉમેદવાર અને ઓબીસી મતદાર પણ ભાજપ સાથે હોવાથી કરંજ વિધાનસભા બેઠકમાં ભાજપને ૪૯,૪૩૯ મતની સરસાઈ મળી હતી. ભાજપના ઉમેદવારના ૬૫ હજાર જ્યારે કોંગ્રસના ઉમેદવારને માંડ ૧૬ હજાર મત મળ્યા હતા. સુરતની કરંજ બેઠક પર ૨૦૧૨ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જનક બગદાણાવાળાને ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે જયસુખ ઝાલાવાડિયાને ઉતારતા ભાજપની ચિંતા હળવી થઈ હતી. જીપીપીએ કરંજ બેઠક પરથી ડાહ્યા બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા હતા જેઓ ૯૬૪૯ મત લઈ ગયા હતા. કોંગ્રેસને ૧૬૨૫૭ મત મળ્યા હતા તેની સરખામણીમાં જીપીપીનો દેખાવ આ બેઠક પર સારો જાેવા મળ્યો હતો. વિધાનસભા ૨૦૧૨માં પણ કોંગ્રેસના નબળા ઉમેદવારને કારણે ભાજપને ૩૫૫૯૮ મતની સરસાઈ મળી હતી. ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીને ૫૮૬૭૩ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ ભુંભલિયાને ૨૩૦૭૫ મત મળ્યા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ આ વિસ્તારમાં થોડી અસર હોવાથી ભાજપની સરસાઈ ઘટી હતી.


