આણંદ
ખંભાતના કાર્ડિયાકેર સેન્ટર હોસ્પિટલના વોચમેન પર બે શખસે હુમલો કરી લોખંડનો સળીયો માથામાં મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે ખંભાત પોલીસે બન્ને શખસ સામે ગુનો નોંધ્યો હતો. ખંભાતના પીઠબજારમાં રહેતા ભાવેશ નટવરલાલ રાવળ છેલ્લા આઠેક વર્ષથી વોચમેન તરીકે નોકરી કરે છે. તેઓને ૪થી નવેમ્બરના રોજ ખંભાતની કાર્ડિયાકેર સેન્ટર હોસ્પિટલના ગેટ આગળ નોકરીએ મુકવામાં આવ્યાં હતાં. બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે બે શખસ તેમના સંબંધીની તબિયત પુછવા આવ્યાં હતાં. જાેકે, દર્દી આઈસીયુમાં હોવાથી થોડા સમય પછી આવવા જણાવ્યું હતું. પરંતુ અજીત ઠાકોરભાઈ વાઘેલા તથા રાવજી પૂનમ પરમાર (બન્ને રહે. સોખડા) અપશબ્દ બોલવા લાગ્યાં હતાં. આથી, ભાવેશભાઈએ તેમને અપશબ્દ બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. જેમાં રાવજીએ ઉપરાણું લઇ ભાવેશને પકડી લીધો હતો. જ્યારે અજીતે દરવાજાની નજીકમાંથી સળીયા લાવી માથામાં મારી દીધો હતો. જેના કારણે ભાવેશભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જાેકે, બુમાબુમથી હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવી જતાં બન્ને શખસ ભાગી ગયાં હતાં. આ અંગે ભાવેશભાઈની ફરિયાદ આધારે ખંભાત શહેર પોલીસે રાવજી પૂનમ પરમાર અને અજીત ઠાકોરભાઈ વાઘેલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


