Gujarat

ચૂંટણી પ્રચારને લગતા કટઆઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ, પોસ્ટર્સ વિગેરે ખાનગી મિલ્કત પર મુકી શકાશે નહીં  

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહીં તે માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખાનગી મિલ્કત ઉપર ભીંતચિત્રો, ભીંતસૂત્રો તથા મિલકતો ઉપર કટ આઉટ, હોર્ડિગ્સ, બેનર્સ પોસ્ટર્સ વગેરે પર નિયંત્રણ મુકવા માટે છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી નિયંત્રણ લાદ્યા છે.
 જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી પ્રચારને લગતા કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ, પોસ્ટર્સ વિગેરે કોઇ પણ ખાનગી મિલ્કત ઉપર મુકવા તથા ખાનગી માલિકીની દિવાલો ઉપર ભીંતસૂત્રો તથા ભીંતચિત્રો મુકી કે લખી શકાશે નહીં. સરળતાથી દુર થઇ શકે તેવી ચૂંટણી પ્રચાર તથા જાહેરાતની સામગ્રી જેવા કે, ધ્વજ બેનર્સ વિગેરે ખાનગી માલિકની સ્વૈચ્છિક મંજૂરી મેળવી નીચેની શરતોને આધિન મુકી શકાશે.
 ધ્વજ બેનર વગેરે લગાવવા માટે ખાનગી માલિકની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આવા પ્રકારની મંજૂરી વિના મૂલ્યે કોઇ પણ જાતના દબાણ, ભય વિના મેળવેલ હોવી જોઇએ. આ પ્રકારના ધ્વજ કે બેનર વગેરે અન્યને અડચણરૂપ કે જાહેર વ્યવસ્થાને નુકસાનરૂપ ન હોવા જોઇએ. આ અંગે સંબંધિત ચૂંટણી અધિકારીને નિયત નમૂનામાં જાણ કરવાની રહેશે. કોઇ પણ ખાનગી મિલકતને કાયમી/હંગામી નુકસાન કરે તેમજ સરળતાથી કાઢી શકાય તેમ ન હોય તેવા ચૂંટણીલક્ષી લખાણ, પોસ્ટર્સ, ભીંતચિત્રો વગેરે મિલકતના માલિકની સંમતિ હશે તો પણ મુકી શકાશે નહીં. રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના એજન્ટ, કાર્યકર્તાઓ તથા સમર્થકો તેઓની પોતાની મિલકત પર સ્વેચ્છાએ બેનર્સ, નાના વાવટા, ધ્વજ, ચોપાનિયા લગાવી શકશે પરંતુ જો જાહેરાતના પાટિયા, ધ્વજ વગેરેનું આવા નિદર્શનમાં કોઇ પણ ચોકકસ ઉમેદવાર માટે મત મેળવવાનો ઉદ્દેશ હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧(એચ)ની જોગવાઇ અનુસરવાની રહેશે.
 આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તાર માટે તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨(બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *