અમદાવાદ
વિધાનસભાની ચૂંટણીમાં અનેક વખત અપક્ષોનો દબદબો રહ્યો છે. એવી અનેક સીટો છે જેમાં અપક્ષોના કારણે અણધાર્યા ઉમેદવાર વિજેતા બન્યાં છે. ત્યારે અમદાવાદની શાહપુર-દરિયાપુર બેઠક પર પણ અપક્ષોએ ઘણી વખત બાજી ફેરવી નાંખી છે. એક સમયે શહીબાગ વિધાનસભા બેઠક હતી ત્યારે તે ભાજપનો ગઢ ગણાતી હતી પરંતુ ૨૦૧૦માં થયેલા નવા સીમાંકન બાદ આ બેઠક પર કોંગ્રેસનો વિજય થતો રહ્યો છે. ૨૦૦૭થી ૨૦૧૭ સુધી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ દરિયાપુર બેઠક પર જીતતા આવ્યાં છે. તેમની સામે ભાજપના ભરત બારોટનો પરાજય થયો હતો. દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ અપક્ષોને કારણે નજીવા વોટથી વિજેતા બનતા રહ્યાં છે. એવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપના ભરત બારોટ અને કૌશિક પટેલ જેવા પૂર્વ મંત્રીઓ પણ આ બેઠક પરથી પરાજયનો સામનો કરી ચૂક્યાં છે. તે ઉપરાંત ૨૦૨૨ની આ ચૂંટણીમાં એએમસીમાંથી હારેલા કૌશિક જૈનને ભાજપે ટીકિટ આપીને ઉમેદવાર બનાવ્યાં છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઓછા મતદારો હોવાથી મોટાભાગના મત અપક્ષમાં જતા હોય છે અને વોટિંગ તૂટતાં જ ઓછી લીડથી ઉમેદવારને જીત મળતી હોય છે. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખની ચિંતામાં વધારો થયો હોય તેમ લાગે છે. અસદુદ્દિન ઓવૈસીની એઆઈએમઆઈએમના હસનલાલ મુસ્લિમ છે અને સ્થાનિક ઉમેદવાર હોવાથી મુસ્લિમ વોટ વિભાજીત થવાની શક્યતાઓ પ્રબળ છે. અગાઉ પણ કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ સામે અપક્ષ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હોવા છતાં પણ તેઓ ત્રણ વખત વિજેતા બન્યાં છે. દરિયાપુર બેઠક પર ૨૦૧૭માં ૧૨ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યાં હતાં. જ્યારે આ વખતે અપક્ષ સહિત અલગ અલગ પાર્ટીના ૧૮ ઉમેદવારો છે. જે દરેક ચૂંટણીની માફક આ વખતે પણ મત તોડવાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે.આ બેઠક પર ત્રિપાંખીયો જંગ તો ખેલાશે જ પરંતુ અપક્ષ ઉમેદવારો પણ મત તોડવાનું કામ કરશે. આ બેઠક પર પહેલાં કોમી તોફાનો થતાં હોવાથી સ્થાનિક લોકો પૂર્વ કે પશ્ચિમ અમદાવાદમાં રહેવા જતાં રહ્યાં છે. જેને લઈને આ બેઠક પર વોટિંગ રેશિયો પણ ડાઉન થઈ ગયો છે. જેથી દરેક મત આ બેઠક પર મહત્વનો ભાગ ભજવી જાય છે. આ બેઠક પર ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર માત્ર ૯૨૮ મતથી વિજેતા બન્યા હતાં. તે જ રીતે ૨૦૧૨માં થોડોક વોટ શેર વધવાથી કોંગ્રેસના ઉમેદવાર ૨૬૦૦ મતથી વિજેતા બન્યાં હતાં. જ્યારે ૨૦૧૭માં ૬૬૦૦ મતો વધુ મળતાં જ કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ ૨૦૨૨માં ગ્યાસુદ્દિન શેખે ૨૦ હજારથી વધુ મતોથી વિજેતા બનવાનો દાવો કર્યો છે. આ બેઠક પર કુલ ૨૧૦૧૨૧ મતદારો છે. જેમાં ૧૦૭૭૭૫ પુરૂષ અને ૧૦૨૩૩૪ મહિલા મતદારો છે.


