સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પોલીસ તંત્ર દ્વારા હમણાં હમણાં વ્યાજખોરી નાબૂદી ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ વ્યાજખોરી નાબૂદી ઝૂંબેશ અંતર્ગત વ્યાજખોરીના ભોગ બનેલ કોઈ પણ શખ્સ સંલગ્ન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ કે પોસ્ટ દ્વારા પણ ફરિયાદ કરી શકે છે. વાત સારી છે.. કદમ પ્રશંસનીય છે. આ અગાઉ પણ આવી ઝૂંબેશ ચાલી હતી. આવી જ રીતે સલંગ્ન તંત્ર દ્વારા ભેળસેળ સંદર્ભે પણ આવી કડક ઝૂંબેશ ઉપાડવામાં આવે તે પણ ઈચ્છનીય છે કારણકે આજના યુગમાં ભેળસેળનાં ભસ્માસૂરે સખત ભરડો લીધો છે. શધ્ધતાંના ચોક્કસ માપદંડો જળવાઈ રહે તે પણ જરૂરી છે. ખાસકરીને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સમગ્ર માનવજાતના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. જો કે વિદેશોમાં તો આ સંદર્ભે ખૂબ સતર્કતા રાખવામાં આવે છે. આપણે પણ હવે વિકાસ ભણી દોટ મૂકી હોય ત્યારે ભેળસેળનાં ભસ્માસૂરને નાથવો એટલો જ જરૂરી છે. આ ઉપરાંત નિયત માપદંડ સિવાયના પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ પણ સમગ્ર પર્યાવરણ માટે માથાના દુઃખાવા સમાન છે. એ પ્રત્યે પણ સંલગ્ન વિભાગ દ્વારા સતત ચેકીંગ હાથ ધરાય એ પણ એટલું જ જરૂરી છે. માત્ર કાગળ પર કાર્યવાહી નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલે આ તમામ ફેક્ટરો પર ઠોસ કાર્યવાહી હાથ ધરવાનો સમય હવે પાકી ગયો છે. સતત વધતાં જતાં રુગ્ણાલયો(હોસ્પિટલો) માનવજાતની કઈ પ્રકારની તંદુરસ્તી પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે? એ જાણવા અને એ સંદર્ભમાં સંશોધન કરવાનો હવે સમય આવી ચૂક્યો છે. ખાદ્ય પદાર્થોની સોટકા શુદ્ધતા એક સ્વસ્થ સમાજને જન્મ આપી શકે છે. શહેરમાં રખડતાં ભટકતાં પશુઓનો ત્રાસ પણ યોગ્ય કાર્યવાહી કરી દૂર કરવો જરૂરી છે. શહેરમાં આવેલી મહિલાઓ અને પુરૂષો માટેની જાહેર મુતરડીની સ્વચ્છતા અને સંખ્યા પર પણ વિશેષ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. નજર સમક્ષ નાવલી નદીના પટમાં ગટરના પાણી વહેતાં હોય તેનાથી વિશેષ શહેરની કરુણતા શી હોય શકે? નામદાર અદાલતે રાજ્યમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, ચાઈનીઝ લેન્ટર્ન જેવી ચીજોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત તથા એ સંદર્ભે તંત્ર દ્વારા જોરદાર પ્રચાર અભિયાન ચલાવવાની વાત પણ સૂચક તો ગણાય. એટલે એ સંદર્ભમાં પણ સાવરકુંડલા શહેરમાં પણ લોકજાગૃતિ માટે જોરદાર પ્રચાર અભિયાનની આવશ્યકતા પણ જરૂરી તો ગણાય. જો કે હવે સાવરકુંડલાને એક સંનિષ્ઠ ધારાસભ્ય મળ્યાં છે એટલે કદાચ આ તમામ સમસ્યાઓ દૂર થઈ શકે તેવા સંજોગો નિર્માણ થયા છે. બાકી ભવિષ્યનાં ગર્ભમાં તો શું છુપાયેલું છે તે તો આવનાર સમય જ કહી શકે. બાકી હરિ કરે તે ખરી.
