Gujarat

નર્મદા જિલ્લામાં “ટ્રાફિક જાગૃત્તિ અભિયાન” ને મળ્યો બહોળો પ્રતિસાદ

૩૩ માં રાષ્ટ્ર્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નિમિત્તે ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે “ટૂંકો રસ્તો, ટૂંકું જીવન” થીમ સાથે નાગરિકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાયા
——–
“ટ્રાફિક નિયમોથી માહિતગાર રહી તેનું પાલન કરવું એ જિલ્લાના પ્રત્યેક નાગરિકની ફરજ છે”
——
 માર્ગ અકસ્માતોમાં કેટલાય લોકો જીવ ગુમાવે છે, જેનાથી તેમના પરિવારજનોને આર્થિક-સામાજિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે માનવીના જીવનની કિંમત અને મહત્વ ખબર પડે છે. નર્મદા જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અને પોલીસ અધિક્ષકની કચેરી-રાજપીપલા દ્વારા ૩૩ માં રાષ્ટ્ર્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં અકસ્માતના કેસોને નહિવત કરી વાહનચાલકો, શાળા-કોલેજના બાળકો સહિત જિલ્લાના પ્રત્યેક નાગરિકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવી નિયમોનું પાલન કરવા ટ્રાફિક જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
  ટ્રાફિક જાગૃત્તિ અભિયાનના ત્રીજા દિવસે ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે ગામડા વિસ્તારમાંથી આવતા નાગરિકો તથા ટ્રક, ટ્રેકટર અને બળદગાડા હાંકતા લોકોને રોંગ સાઈડનો ઉપયોગ ન કરવા, વાહનનો વીમો ફરજીયાત રાખવા સહિત મર્યાદિત સ્પીડમાં વાહન ચલાવી પોતાની સાથે અન્ય નાગરિકોના જીવનની સુરક્ષા કરવા, વાહનો પર રેડીયમ રીફ્લેક્ટર તથા પેમ્પ્લેટ રાઉન્ડ રેડીયમ રીફ્લેક્ટર લગાડવા સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની સાથે અન્ય નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવાના ઉમદા આશય સાથે “ટૂંકો રસ્તો, ટૂંકું જીવન” થીમ સાથે નાગરિકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
  નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ, જિલ્લા ટ્રાફિક શાખાના સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ચૌહાણ, આમલેથા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર.રાઠોડ તથા સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ શ્રી રમીઝ સૈયદ સહિત અન્ય સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યાં અધિકારીશ્રીઓએ પણ નાગરિકોને સમજણ પુરી પાડી ટ્રાફિક નિયમોનું પાલન કરી જિલ્લાના જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી.

IMG-20230113-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *