સૂરત શહેરની પ્રતિષ્ઠિત સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અર્થે દસ દિવસીય નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિર અને વિશિષ્ટ વ્યાખ્યાન માળાનું આયોજન તારીખ ૨૫/૯/૨૧ થી ૪/૧૦/૨૧ સુધી કરાયું હતું. જેમાં દરરોજ સૂરતના અલગ અલગ કર્મનિષ્ઠ શાસ્ત્રવેત્તા સારસ્વતો દ્વારા સમાજ ઉપયોગી વેદ શાસ્ત્રોમાં રહેલા જ્ઞાનભંડાર નું રસપાન કરાવાયુ હતું. આ વર્ગ અંતર્ગત વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે સુભાષિત કંઠ પાઠ સ્પર્ધા, શ્લોક અન્ત્યાક્ષરી, વક્તૃત્વ સ્પર્ધા તેમ વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં મહાવિદ્યાલયના ૪૫ વિદ્યાર્થીઓ અને ૧૦ નગર વાસીઓએ નિયમિત રૂપે ભાગ ગ્રહણ કર્યો હતો. આથી તેઓ પોતાના નૈતિક, લૌકિક અને આધ્યાત્મિક કર્મથી સુપરીચિત બન્યા છે. આ શિબિરના સમાપન સમારોહમા ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કર્યા બાદ વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે સત્રનો આરંભ કરાયો હતો. ત્યાર બાદ આવેલા મહાનુભાવોએ પોતાનું વક્તવ્ય રજૂ કરેલું. આ અંતરાલે પ્રધાનાચાર્ય શ્રી કાંતિલાલ ભટ્ટ, સંસ્થાના અગ્રણીઓ વ્યાખ્યાન કર્તા (સંસ્કૃત ન્યૂઝ પેપરના પ્રધાન સંપાદક) શ્રી શિવરાજ કુમાર વર્ગ સંચાલક શ્રી મહર્ષિગૌતમ તેમજ આયોજકો ડો. પુનીતભાઈ, અભિષેક ભાઈ, મહાવિદ્યાલયના દરેક અધ્યાપકો, વિદ્યાના ઉપાસકો દરેક વિદ્યાર્થીઓ અને નગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થા વતી પ્રધાનાચાર્ય શ્રી એ શ્રી મહર્ષિગૌતમને સન્માન પત્ર આપીને તેમનું અનોખું સન્માન કર્યું હતું અને સાથે સાથે જણાવ્યું હતું કે આપણે પણ યુવાન મહર્ષિગૌતમની સમાન સમાજ સેવા માટે આપણા અમૂલ્ય સમયનું યોગદાન કરીને મનુષ્ય જન્મ સાર્થક બનાવીએ.


