છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઇ હતી.
બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, જિલ્લાના સમતોલ અને સર્વાંગી વિકાસ થાય એ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ પરસ્પર સંકલનથી કામ કરે એ ઇચ્છનીય છે.
વધુમાં તેમણે સૌ અમલીકરણ અધિકારીઓ જવાબદારીપૂર્વક અને ગુણવત્તાયુકત કામગીરી થાય એ બાબતની પુરતી તકેદારી રાખે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમલી જુદી જુદી યોજનાઓ હેઠળ થતી કામગીરીને વધુ સારી રીતે કરી શકાય અંગે પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
સાંસદ ગીતાબેન રાઠવા અને અન્ય મહાનુભાવોએ બેઠક દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમલી અનેક યોજનાઓની જાન્યુઆરી અંતિત કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. સમીક્ષા કરતી વખતે જરૂર જણાયુ સાંસદ અને મહાનુભાવોએ ઉપયોગી સૂચનો કરી વિકાસને વેગવંતો બનાવવા માટે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. ભગતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો.
બેઠકમાં અધિક નિવાસી કલેકટર આર.કે ભગોરા, નાયબ વન સંરક્ષક વિષ્ણુ દેસાઇ, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પુરવઠા અધિકારી અભિષેક સિંહા, વાસ્મોના યુનિટ મેનેજર અજય ચૌધરી, શિક્ષણાધિકારી કે.બી. પાચાણી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિરલ વસાવા, નાયબ કલેકટર અમીત ગામીત, કાર્યપાલક ઇજનરો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, તાલુકા પંચાયતોના પ્રમુખો, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


