નવીદિલ્હી
લેટેસ્ટ આઇસીસી રેન્કિંગમાં ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ટેસ્ટ બોલરની કેટેગરીમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ ઓસ્ટ્રેલિયન પેટ કમિન્સના ચાર વર્ષથી ટોચના સ્થાને હતો અને હવે તેનું સ્થાન એન્ડરસને લીધું છે. છેલ્લી કેટલીક ટેસ્ટમાં એન્ડરસનનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. જેના કારણે તે ટોચના સ્થાને પહોંચી ગયો છે. એન્ડરસન ૪૦ વર્ષનો છે. ગત અઠવાડિયે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપ્યા બાદની એન્ડરસને તેની કારકિર્દીમાં છઠ્ઠી વખત અને ૨૦૧૮ બાદ પ્રથમ વખત ટોચનું સ્થાન મેળવ્યું હતું. રેન્કિંગમાં તેના ૮૬૬ રેટિંગ પોઇન્ટ છે, જ્યારે ભારતના દિગ્ગજ સ્પિનર રવિ અશ્વિન ૮૬૪ પોઇન્ટ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. બીજી તરફ કમિન્સ ૮૫૮ રેટિંગ પોઇન્ટ સાથે બે સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને આવી ગયો છે. ૨૦૦૩માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ એન્ડરસન અત્યારે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાની બાબતે ત્રીજા ક્રમે છે. તેણે ૬૮૨ વિકેટ લીધી છે. એન્ડરસન હજુ પણ લાંબા ફોર્મેટમાં ઇંગ્લેન્ડનો મુખ્ય બોલર છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ દાવમાં ૩ અને બીજી ઇનિંગમાં ૪ વિકેટ ઝડપી હતી. તેના અને સાથી બોલર સ્ટુઅર્ટ બ્રોડના મેચ વિનિંગ આંકડાઓનેથી ઇંગ્લેન્ડે કિવિઝ ટીમને ૨૬૭ રનથી પરાજય આપ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે અદભૂત પ્રદર્શન કર્યા બાદ ભારતના રવિન્દ્ર જાડેજાની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે છ સ્થાન ઉપર ચઢીને બોલરના રેન્કિંગમાં નવમા સ્થાને (૭૬૩) પર પહોંચી ગયો છે, આ ઉપરાંત તે નંબર વન ઓલરાઉન્ડર (૪૬૦) તરીકે ટોચ પર રહ્યો છે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ૧૫૮ રન સાથે આશ્ચર્યજનક રીતે બીજા ક્રમે રહેલા અક્ષર પટેલની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે પણ ૨૮૩ રેટિંગ પોઇન્ટની મદદથી બે સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ સમયે ટેસ્ટમાં ટોચના પાંચ ઓલરાઉન્ડર્સમાં ત્રણ સ્થાન પર ભારતીય ખેલાડી છે. આ ત્રણેય ખેલાડી જાડેજા, અશ્વિન અને અક્ષર છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ ૨૪મી ફેબ્રુઆરીએ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાશે. બીજી તરફ ભારત ૧લી માર્ચથી ઇન્દોરમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.


