શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને કહ્યું છે પુરૂષનો નાશ કરનાર નરકના ત્રણ દ્વાર છેઃકામ,ક્રોધ અને લોભ..તેનો તરત ત્યાગ કરવો જોઈએ.(ગીતા:૧૬/૨૧)
લોભ એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા.જેમને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને જેઓ બીજાઓની તમામ શંકાઓનું નિવારણ કરી શકે છે તેવા પુરૂષો ૫ણ લોભમાં ૫ડીને દુઃખ ભોગવે છે.લોભથી જ ક્રોધ થાય છે,લોભથી જ વિષય ભોગની ઇચ્છા થાય છે,લોભથી જ મતિ ભ્રષ્ટ થઇ જાય છે.લોભથી બુદ્ધિ ચલાયમાન થાય છે.ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે.આમ,લોભથી જ સર્વનાશ થાય છે.કામનાની પૂર્તિ થતાં લોભ ઉત્પન્ન થાય છે.લોભએ પા૫નો પિતા છે.જેને મમત્વનો ત્યાગ કર્યો છે તથા લોભ અને મોહને છોડી દીધા છે તે કામ-ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને પ્રાપ્ત કરે છે.
ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર કરો કે માતા-પિતાની શું સ્થિતિ થાય? રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ પણ ભાગવતની આ સમાધિ ભાષા છે કે જે મુખ્ય ભાષા છે.લૌકિક ભાષા અહીં ગૌણ છે.અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે.રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજને રોજ વધતો જાય છે.લાભથી લોભ વધે છે.હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખો.જેની આંખમાં સોનું ભર્યું છે,જેને સોનું જ દેખાય છે તે હિરણ્યાક્ષ.હિરણ્યાક્ષ એ સંગ્રહવૃત્તિ લોભ છે.તેણે ભેગું કર્યું અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ લોભ છે.આ લોભને જીતવો એ બહુ મુશ્કેલ કામ છે.ભગવાનને આ લોભ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને મારવા બે અવતાર લેવા પડ્યા છે.હિરણ્યાક્ષને મારવા વરાહ અવતાર અને હિરણ્યકશિપુને મારવા નૃસિંહ અવતાર.
લોભ જેમ જેમ વધે તેમ તેમ ભોગ વધે છે.ભોગ વધે તેમ પાપ વધે છે.જ્યારથી લોકો એમ માનવા લાગ્યા કે કેવળ પૈસાથી જ સુખ મળે છે ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે.પૈસાથી થોડી સગવડતા મળે છે પણ શાંતિ મળતી નથી.શાંતિ સંતોષથી મળે છે.આ પૃથ્વીની બધી જ સંપત્તિ અને ભોગસામગ્રી કોઈ એક જ વ્યક્તિને આપવામાં આવે તો પણ તેને શાંતિ મળશે નહિ.લોભ તો વૃદ્ધાવસ્થામાં યે છૂટતો નથી,સંતોષ થતો નથી.લોભ સંતોષથી મરે છે.પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ હશે તો લોભ મરશે.વિચારો કે દુનિયાના ઘણા જીવો કરતાં આપણે સુખી છીએ.ઘણા જીવોને તો ભોજનના પણ સાંસાં હોય છે. ઈશ્વરે આપણી લાયકાત કરતાં વધારે સુખ-સંપત્તિ આપ્યાં છે એમ માનશો તો સંતોષ થશે અને શાંતિ આવશે.
મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી કારણ તેને એમ લાગે છે કે પ્રભુએ મને બહુ ઓછું આપ્યું છે.બહુ મેળવવાનો લોભ છે સંતોષ નથી.પુણ્ય ના કરો તો કાંઇ નહિ પણ પાપ તો ન જ કરો.અધર્મની પત્ની મૃષાદેવી..મિથ્યા ભાષણ કરવાની ટેવ તે મૃષાદેવી તેમાંથી દંભનો જન્મ થયો છે.દંભનો પુત્ર લોભ.લોભનો પુત્ર-ક્રોધ. ક્રોધની નિપજ તે કર્કશ વાણી.
એક મોટો જમીનદાર હતો.તેના મનમાં વિચાર આવ્યો કે મારી પાસે જે જમીન છે તે પૈકી કેટલીક જમીન મારે ગરીબોને આપવી જોઇએ.એક લોભી વ્યક્તિ જમીનદારની પાસે આવે છે અને કહે છે કે મારે પણ જમીન જોઇએ છે.ત્યારે જમીનદાર કહે છે કે સારૂં..સવારે સૂર્યોદયથી ચાલવાનું શરૂ કરો અને સૂર્યાસ્ત પહેલાં પરત આવવાનું રહેશે.આ સમયગાળા દરમ્યાન તમે જેટલું ચાલશો તેટલી આંતરેલી જમીન તમારી.તેને ચાલવાનું શરૂ કર્યું ત્યાં નિશાની કરી અને વિચાર્યું કે હું જેટલો વધુ ચાલીશ તેટલી જમીન મને વધુ મળશે તેવા લોભમાં ખાધા-પીધા વિના અવિરત ચાલતો જ રહ્યો. જ્યારે સૂર્ય અસ્તાચળ તરફ ઢડ્યો ત્યારે તે ગભરાય છે કે હું ઘણા દૂર નીકળી ગયો છું તો જ્યાંથી મેં ચાલવાની શરૂઆત કરી હતી ત્યાં કેવી રીતે પહોંચી શકીશ? અને જો હું પ્રારંભના સ્થાને નહી પહોંચું તો મને કંઇ જ મળવાનું નથી.
આવી કલ્પનામાત્રથી તે ઘણો જ દુઃખી થાય છે અને ભૂખ્યો-તરસ્યો દોડવા લાગે છે.શ્વાસ ચઢી જાય છે,પગ સાથ આપતા નથી અને સૂર્યાસ્ત પહેલાં જ તેના પ્રાણ અસ્ત થઇ જાય છે.આસપાસના લોકોને ખબર પડે છે ત્યારે સગાવહાલા ભેગા મળી તેને સ્મશાનમાં લઇ જાય છે ત્યાં તેના અગ્ન સંસ્કાર માટે ફક્ત સાડા ત્રણ હાથ જગ્યા તેના માટે પર્યાપ્ત હતી.
આ કથામાંથી આપણે બધાએ એ બોધપાઠ લેવાનો છે કે અમોને પ્રારબ્ધકર્મ અનુસાર જેટલું મળ્યું છે તેમાં સંતુષ્ટ રહેવું જોઇએ.લોભ અને લાલચના ચક્કરમાં પડવાથી અમારૂં અનિષ્ટ થાય છે તે યાદ રાખવાની જરૂર છે.


