રાજય પાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં તા.૧૨ માર્ચ ના જૂનાગઢ કૃષિ યુનિ. ઓડિટોરીયમ હોલ ખાતે સવારે ૧૧ કલાકે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાશે.જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને માર્ગદર્શિત કરશે.
ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી – હાલોલ, કેમ્પસ આણંદ ખાતે એટિક બિલ્ડિંગ, બોરસદ ચોકડી, આણંદ પ્રાકૃતિક કૃષિના શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે. જે અંતર્ગત આ યુનિવર્સિટી દ્રારા તા. ૧૧,૧૨ અને ૧૩ માર્ચ ૨૦૨૩ ના રોજ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળાનું આયોજન જૂનાગઢ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કરવામાં આવશે.
તારીખ ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શિત કરશે. આ ઉપરાંત વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત ૩૦૦ જેટલા ખેડૂતો હાજર રહેશે અને પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવો તેમજ તેના પ્રચાર માટે આગળ કેવી રીતે કામગીરી કરી શકાય તે માટેના વિચારો રજૂ કરશે. ખેડૂતોના અનુભવો પરથી તેમના મૂલ્યાંકનના આધારે તેઓને પ્રાકૃતિક કૃષિ તાલીમના પ્રશિક્ષક તરીકે મોકલવામાં આવશે અને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી શકે તેવા પ્રાકૃતિક ખેતી કરતાં વધુમાં વધુ ખેડૂતોને તૈયાર કરવામાં આવશે તેમજ સંત કૃષિ-ઋષિ પદયાત્રાના સક્રિય કાર્યકરોનું મહામહિમ રાજયપાલશ્રી દ્વારા સન્માન કરવામાં આવશે.
આ કાર્યશાળામાં યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. સી.કે.ટીંબડીયા, જનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો. એ.આર.પાઠક, આઈ.એ.એસ (ઓએસડી પ્રાકૃતિક કૃષિ, ગાંધીનગર) ડો. ડી. જી. પટેલ અને પ્રાકૃતિક કૃષિ સંયોજક શ્રી પ્રફુલભાઈ સેંજલિયા હાજર રહેશે.
