આણંદ
આણંદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા નિવારણ અર્થે આણંદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.ત્યારે આણંદ જિલ્લા કલેકટરના આદેશના પગલે શનિવારે સીટી સર્વેની ટીમોએ એમરી હોસ્પિટલ થી જૂના દાદર સુધીના માર્ગનું ઇટીએસ મશીનથી માપણી કરીને જૂના માપનું પરફેકન નક્કી કરીને રીપોર્ટ તૈયાર કર્યા બાદ જિલ્લા કલેકટરને સોંપવામાં આવશે. અગાઉના નકશાન સાથે માપણી મેળવીને રસ્તા પહોળા કરવાનું આયોજન કરવામાં આવનાર છે.જે માટે તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરીને નળતર રૂપી દબાણો કાયમી ધોરણે સફાયો બોલાવી દેવાશે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં વર્ષોથી ધર્મેશ્વર મહાદેવ, જૂના દાદર, રેલવે સ્ટેશન, સુપર માર્કેટ, ગાંધીજીના સ્ટેચ્યુ સહિત સ્ટેશન રોડ અને ટુંકી ગલી વિસ્તારમાં વારંવાર ટ્રાફિક સર્જાતા હોય છે. ત્યારે માર્ગ દબાણોને કારણે સાંકળા બની ગયા હોવાથી વાહનોના અકસ્માતના બનાવો વધ ગયા છે. તેમજ રાહદારીને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે માટે છેલ્લા ૫ વર્ષથી સિનિયર સિટિઝન મંડળ દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે. કલેકટર સહિત રાજય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.તેમ છતાં પ્રશ્ન ઠેર નો ઠેર રહેવા પામ્યો હતો. આ અંગે આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પ્રાથમિક તબક્કે સ્થળ પર માપણી સહિતની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. માપણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રીપોર્ટ તૈયાર કર્યા બાદ નવેસરથી આયોજન કરીને ટ્રાફિક નિવારણ માટે નળતર રૂપી દબાણો સહિત કામગીરી કરવામાં આવશે.
