Gujarat

કળિયુગનું ભયંકર રૂપ કેવું હશે?

ધર્મશાસ્ત્રો અનુસાર અત્યાર સુધી સતયુગ,ત્રેતા યુગ અને દ્વાપરયુગ વિતી ગયા છે અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે.પુરાણો અનુસાર કળિયુગની સાથે જ દુનિયા સમાપ્ત થઇ જશે.કળિયુગમાં બીજા યુગો કરતાં વધુ અધર્મ અને પાપ વધી જશે.ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું કળિયુગનું આયુષ્ય છે.અત્યાર સુધી કળિયુગના ૫૧૨૨ વર્ષ થયા છે.આટલા ઓછા વર્ષોમાં કળિયુગ પોતાની ચરમસીમા ઉપર છે.

કળિયુગના આખરી સમયે તમામ શહેરો ગામડા જેવા બની જશે, ગામડા સ્મશાન જેવા થશે, સુખી લોકો નિર્લજ બનશે, કુળવાન સ્ત્રીઓ વેશ્યા જેવી બની જશે, રાજા યમદંડ જેવા થશે, કુટુંબીજનો દાસ જેવા થશે, પૂત્ર સ્વેચ્છાચારી થશે, શિષ્ય ગુરૂનું અપમાન કરશે, સજ્જન પુરૂષો દુઃખી થશે અને જે દુર્જન હશે તે સુખી થશે, પૃથ્વી ખરાબ અને દુષ્ટ તત્વોથી આકુળ-વ્યાકુળ થશે, વિદ્યાનો વેપાર થશે, વિદ્યા મંત્રો તથા ઔષધિઓનો પ્રભાવ નહી રહે, શિષ્યો અંદરોઅંદર લડાઇ ઝઘડા કરશે, મલેચ્છો(મોગલો) બળવાન થશે, જૂઠ-કપટ ઘણું વધી જશે, સત્ય બોલનારની હાર થશે અને અનીતિ કરનારા લોકોને અંદરોઅંદર સારૂં બનશે, લગ્ન માટે કુળચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં નહિ આવેછોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચીથી જ લગ્ન કરી લેશે.ગમે તેનું લગ્ન ગમે તેની સાથે થશે,જાતિ-પાંતિનો કોઇ ભેદભાવ રહેશે નહી. શાસ્ત્ર વિધિવિધાનસંસ્કાર વગેરેની લોકોને કોઈ જરૂર નહિ લાગે.

શ્રીમદ્ ભાગવતમાં કળિયુગ વિશેનું વિસ્તૃત વર્ણન કરે છે.આપણે સૌ કળિયુગમાં જીવતા હોવાથી, એમાંના ઘણા લક્ષણો આપણને સમાજમાં પ્રત્યક્ષ દેખાય છે.અમુક લક્ષણો આપણને વાંચીને કદાચ માન્યામાં ન આવે પરંતુ તે સમગ્ર કળિયુગની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બોલાયેલા છે,આપણે હજી તો કળિયુગના શરૂઆતના ચરણમાં છીએ.

સમય બહુ બળવાન છે.જેમ જેમ કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર દયા ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા આયુ બળ અને સ્મરણશક્તિનો અભાવ થતો જશે.કળિયુગમાં જેની પાસે ધન હશે એને જ લોકો સારા કુળવાળા, સદાચારી અને સદગુણી માનશે.જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાને ફાવે તેમ કરી દેશે.વ્યવહારમાં લોકો સત્ય અને ઈમાનદારીથી નહીં વર્તે.જેને જેટલું છલ-કપટ કરતાં આવડશે એને લોકો એટલો વધારે હોંશિયાર ગણશે.સ્ત્રી અને પુરૂષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા બની રહેશે.જે લાંચ આપવામાં કે પૈસા ખવડાવવામાં અસમર્થ હશે એને અદાલત તરફથી બરાબર ન્યાય નહીં મળે.જે બોલવા-ચાલવામાં જેટલો પાવરધો અને ચાલક હશે એને લોકો એટલો મોટો પંડિત માનશે.

જે લોકો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે એને વિદ્વાન સમજશે.લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે પરંતુ નજીકના માતા-પિતા તીર્થ સમાન છે એની લોકો ઉપેક્ષા કરશે.લાંબા વાળ રાખવા એને શારીરિક સૌંદર્યની નિશાની સમજશે.યોગ્યતા અને ચતુરાઈનું સૌથી મોટું લક્ષણ કુટુંબનું ભરણ-પોષણ કરવું એ બની રહેશે.ધર્મનું સેવન લોકો પોતાનો યશ વધારવા કરશે.આ પ્રકારે જ્યારે આખી પૃથ્વી પર દુષ્ટ લોકોની વાહવાહ થઈ જશે ત્યારે રાજા (નેતા) બનવાનો કોઈ નિયમ નહિ રહે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્ર જેની પાસે તાકાત (સત્તા) વધારે હશે એ રાજા બની બેસશે.નીચ રાજાઓ અત્યંત ક્રુર અને નિર્દય હશે,લોભી તો એટલા હશે કે એમના અને લુટારૂંઓમાં કોઈ ફર્ક જ નહીં રહે.એ પ્રજાનું ધન અને સ્ત્રીઓને છીનવી લેશે. લોકો એવા રાજાઓથી ગભરાઈને દૂર દૂર પહાડો અને જંગલોમાં ભાગી જશે, એવા સમયે પ્રજા જુદા-જુદા પ્રકારના શાક કંદ-મૂળ માંસ દારૂ ફળ-ફુલ અને ગોટલી વગેરે ખાઈને પોતાનું પેટ ભરશે.

ક્યારેક તો વરસાદ જ નહિ પડે,તો ક્યારેક કર ઉપર કર (ટૅક્સ) નાખવામાં આવશે.ક્યારેક ભયંકર ઠંડી પડશે, ક્યારેક આંધી આવશે, ક્યારેક અતિશય ગરમી પડશે તો ક્યારેક પ્રચંડ પૂર આવશે.આ ઉત્પાતો અને અંદર-અંદરના સંધર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે.લોકો ભુખ-તરસ અને નાની-મોટી અનેક ચિંતાઓથી દુ:ખી રહેશે.રોગોથી તો એમને ક્યારેય છૂટકારો નહિ મળે.ઘોર કળિયુગ આવશે ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ થી ત્રીસ વર્ષનું થઈ જશે.કળિયુગના દોષોથી લોકોનું શરીર નાનું-નાનું, ક્ષીણ અને રોગગ્રસ્થ થઈ જશે.ધર્મમાં પાખંડતા વ્યાપી જશે.રાજાઓ ડાકુ અને લુટારૂઓ જેવા થઈ જશે.મનુષ્ય ચોરી જુઠ અને કારણ વગર હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે.

ચારેય વર્ણૉના લોકો શુદ્ર સમાન બની જશે.ગાયો બકરીઓ જેવી નાની અને ઓછું દૂધ આપવાવાળી થઈ જશે.વનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસીઓ પણ સંસારી લોકોની જેમ ધર આદિ બનાવીને રહેશે અને તેમની જેમ વેપાર પણ કરશે.જેની સાથે લગ્નજીવનનો સંબંધ છે એને જ માત્ર લોકો સંબંધી ગણશે એટલે કે બહુ નજીકના હોય એ જ સગાં કહેવાશે.

ઘઉં જવ બાજરી મકાઇ વગેરે અનાજના છોડ નાનાં-નાનાં થઈ જશે.વૃક્ષોમાં કાંટાવાળા વૃક્ષો જ રહી જશે.આકાશમાં વીજળી તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે.લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના થશે.કળિયુગનો અંત થતાં મનુષ્યોનો સ્વભાવ ગધેડા જેવો દુ:સહ્ય બની જશે.લોકો માંડ માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે અને વિષયભોગી બની જશે એવા સમયે સત્વગુણને ધારણ કરીને ભગવાન સ્વયં અવતાર લેશે.

કળિયુગમાં ધર્મના ચારેય ચરણો સત્ય, દયા, તપ અને દાન નષ્ટ થઈ જશે અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ અત્યંત વધી જશે.જીવન દરમિયાન જ્યારે પણ જુઠ-કપટ, તંદ્રા-નિંદ્રા, હિંસા-વિષાદ, શોક-મોહ, ભય અને દીનતાની પ્રધાનતા લાગે ત્યારે તેને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો.કળિયુગ હોય છે ત્યારે આખા દેશમાં, ગામે ગામમાં લુંટેરાઓ (આતંકવાદ) ની પ્રધાનતા અને પ્રચુરતા વધતી જાય છે.પાખંડી લોકો પોત-પોતાના નવા સિધ્ધાંતો બનાવીને મનફાવે એવો વેદોનો અર્થ કાઢશે.ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં માંગતો ફરશે.

સ્ત્રીઓનો આકાર નાનો થઈ જશે,તેમની ભુખ વધી જશે અને એમને સંતાનો બહુ થશે.સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લાજ વગેરેને છોડી દેશે અને હંમેશાં કડવી વાણી બોલશે,ચોરી અને કપટ કરવામાં પ્રવીણ થશે, તેમનામાં સાહસ બહુ વધી જશે.વેપારીઓનું હ્રદય એકદમ ક્ષુદ્ર જેવું બની જશે કોડી-કોડી માટે લોકો સાથે છળ કરશે.ગાયો જ્યારે વસૂકી જાય ત્યારે લોકો એને પણ છોડી દેશે. કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જશે.પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈકને પ્રેમ કરશે.લોકો વિષયવાસનાઓથી એટલા બધા ધેરાઈ જશે કે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોને છોડીને ફક્ત પોતાના સાળા અને સાળીઓની જ સલાહ લેશે.

ક્ષુદ્ર લોકો ઊંચા સિંહાસનો પર બેસીને ધર્મનો ઉપદેશ કરશે.કળિયુગમાં પ્રજા શરીર ઢાંકવા માટે વસ્ત્ર અને પેટની ભુખ શાંત કરવા માટે રોટી, પીવા માટે પાણી અને ઊંધવા માટે બે હાથ જમીનથી પણ વંચિત બની જશે.લોકોનો દેખાવ, સ્વભાવ અને વર્તણુંક પિશાચો જેવી બની જશે.નાની-નાની વાતોમાં  લોકો સાથે વેર વિરોધ કરવા લાગશે અને પૈસા માટે પોતાના સગા-સંબંધીઓની હત્યા કરી નાખશે.

મનુષ્ય મરતી વખતે, પડતી વખતે અથવા લપસી જતી વખતે વિવશ થઈને ભગવાનના નામનું ઉચ્ચારણ કરી લે છે તો તેઓના બધા જ કર્મોના બંધન છિન્ન-ભિન્ન થઈ એને ઉત્તમોત્તમ ગતિ મળે છે પરંતુ કળિયુગના પ્રભાવથી લોકો ભગવાનની આરાધનાથી પણ વિમુખ બની જશે.

કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે કે કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.જે ફળ સત્યયુગમાં ભગવાનના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી, દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે એ ફક્ત ભગવાનના નામનું કિર્તન કરવામાત્રથી પ્રાપ્ત થઈ જાય છે.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *