મકસુદ કારીગર,કઠલાલ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા અને ગ્રામ સેવા કેન્દ્ર, ભલાડાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫મી માર્ચ, ૨૦૨૩ના રોજ ગ્રામ સેવા કેન્દ્ર, ભલાડા ખાતે “પ્રાકૃતિક કૃષિ” વિષય પર એક દિવસીય જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડા જીલ્લાના માતર તાલુકાના વિવિધ ગામડાઓના ૧૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામ સેવા કેન્દ્ર, ભલાડાના સંયોજક મેહુલભાઈ પટેલે ઉપસ્થતિ સર્વે લોકોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. પી. કે. શર્મા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા કાર્યક્રમોના આયોજન પાછળના હેતુઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડાના વિસ્તરણ શિક્ષણ વિષયના નિષ્ણાંત કલ્પેશકુમાર ટાંકોદરા દ્વારા મુખ્ય વક્તા તરીકે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, મહત્વ અને પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધાર સ્તંભો અંગે વિસ્તૃતમાં માહિતી આપી અને વધુમાં વધુ ખેડૂતો પોતાના ખેતર આ ખેતી અપનાવે તેવું પ્રોત્સાહન પૂરું પાળ્યું હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ખેડાના માતર તાલુકાના બી.ટી.એમ. અજીતભાઈ સોલંકી તથા માતર તાલુકાના વિસ્તરણ અધિકારી પ્રમોદભાઈ સોલંકી પણ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ સેવ કેન્દ્ર, ભલાડાની સંપૂર્ણ ટીમે જહેમત ઉઠાવી હતી.


