વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી માળખાને મજબૂત કરીને ખેડૂતોની આવક બમણીથી વધુ કરવાની નેમ સાથે સહકારીતાથી સમૃદ્ધિનો આપણો સંકલ્પ છે
૦૦૦
પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન વધે છે અને જમીનનું જતન થાય છે: દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે
૦૦૦
દેશની દરેક ગ્રામ પંચાયતમાં સહકારી ક્ષેત્રના નવા નિયમો મુજબ સહકારી મંડળીની રચના થશે: પ્રાકૃતિક ખેતીની પેદાશોની ખરીદી નું પ્લેટફોર્મ બનાવી નફો સીધો ખેડૂતોના બેંકના ખાતામાં જમા થશે
૦૦૦૦
જુનાગઢ ,રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાની સહકારી બેંકોને પંચાયત સેવા મંડળી માં રજીસ્ટ્રેશન કરાવવા ગૃહ મંત્રીશ્રીનું સૂચન
૦૦૦
જુનાગઢમાં માર્કેટ યાર્ડના નવનિર્મિત કિસાન ભવનનું લોકાર્પણ અને જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ
૦૦
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ પ્રાકૃતિક કૃષિ બજાર નું પણ ઈ-ખાતમુહૂર્ત કર્યું
૦૦
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના અધ્યક્ષસ્થાને જુનાગઢ માર્કેટ યાર્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહનું હજારો ખેડૂતોને સંબોધન
.
જૂનાગઢ, તા. ૧૯ માર્ચ
દેશભરના ખેડૂતોના હિત અને આર્થિક સમૃદ્ધિ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સ્તરની ત્રણ નવી મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહેશે, તેમ આજે કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે જૂનાગઢ ખાતે જણાવ્યું હતું.
અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે રૂપિયા ૮ કરોડના ખર્ચે કિસાન ભવન સહિત પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ.૯.૮૫ કરોડ ના ખર્ચે જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું તેમજ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિ પૂજન કરીને હજારો ખેડૂતોની સભાને સંબોધિત કરતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, એક મલ્ટી સ્ટેટ સોસાયટી ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનો લેશે અને ખેડૂતોને નફો આપશે. ઉપરાંત ખેડૂતો ઘર બેઠા પોતાના ઉત્પાદનો દેશ તથા વિદેશની બજારોમાં વેચી શકે, નિકાસ કરી શકે તે માટે પણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સોસાયટીની રચના કરી છે. આ સોસાયટી એકસપોર્ટ હાઉસ તરીકે સેવા આપશે અને ખેડૂતોને નફો મળશે. દેશની દરેક પંચાયતમાં કો-ઓપરેટિવ સેવા સહકારી મંડળી બનાવશે. જેમાં ખેત ઉત્પાદનો ઉપરાંત ડેરી અને મત્સ્ય ઉત્પાદનોનો પણ સમાવેશ કરાશે. આ માટે બાયલોઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મંડળીનું રજીસ્ટ્રેશન પંચાયત ખાતે થઈ શકશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની આઝાદી પછી સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલયની માગણી ઊઠી હતી. જો કે વર્ષો સુધી તેના પર ધ્યાન નહોતું અપાયું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ સહકારિતા વિભાગની રચના કરીને ખેડૂતોની વર્ષો જૂની માગણી સંતોષી છે. આ સાથે વડાપ્રધાનશ્રીએ ખેડૂતોના કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ સમજાવતા પોતાના અનુભવ પણ વહેંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ષો પહેલા ગુરુકુળમાં શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીના પ્રયોગો અને ગુજરાતમાં અભિયાનનો ઉલ્લેખ કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ રહ્યા છે અને તેના ફાયદા પણ થઈ રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી પણ વધે છે, પેસ્ટીસાઈડનો ઉપયોગ નથી કરવો પડતો અને ઓર્ગેનિક ઉત્પાદનોના સારા ભાવ પણ મળે છે. પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન પણ શરૂ કર્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટના માર્કેટિંગ, સર્ટિફિકેશન અને નકલી પ્રોડક્ટ ઘૂસીના જાય તેના માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જૂનાગઢ યાર્ડમાં તો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે અલગ હરાજીની વ્યવસ્થાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હોવાના યાર્ડના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ અને તેમની ટીમના નિર્ણયને તેમણે બિરદાવ્યો હતો.
સહકારી માળખાને મજબૂત બનાવવા સાથે આગામી ૧૦ વર્ષમાં ખેડૂતની આવક બે ગણી નહિ, પણ અનેકગણી કરવાના મોદી સરકારના લક્ષ્યનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
વિદેશી ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને ચેતવતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ આવનારા દિવસોમાં ધરતીના જતનનો એકમાત્ર રસ્તો છે. યુરિયા અને ડી.એ.પી.થી ખેતી કરતા રહીશું તો આવનારા ૨૫ વર્ષોમાં આપણી ધરતી સિમેન્ટ જેવી થઈ જશે થઈ જશે.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ કૃષિ પશુપાલન અને સહકાર મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માંગણી કરતા પણ વધુ બજેટ કૃષિ વિભાગને ફાળવ્યું છે. રાજ્ય સરકારે કૃષિ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂપિયા ૨૧,૬૦૪ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. આમ, રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ કૃષિ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ઉપરાંત, ખેડૂતો પર વધારે આર્થિક બોજો ન પડે તે માટે છેલ્લા ૨૦ વર્ષથી રાસાયણિક ખાતર પર માતબર સબસીડી આપવામાં આવી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રે જે વીજળી અંદાજે રૂપિયા ૮ના દરે મળે છે, જે ખેડૂતોને માત્ર ૬૪ પૈસામાં આપવામાં આવે છે. સાથે ખેડૂતોને વીજ જોડાણ આપવામાં પણ ખૂબ મોટી આર્થિક રાહત આપવામાં આવી રહી છે.
શ્રી રાઘવજીભાઈ પટેલે સહકાર ક્ષેત્રના વિકાસમાં પાયારૂપ એવા શ્રી સરદાર પટેલ, શ્રી મોરારજીભાઈ દેસાઈ અને શ્રી ત્રિભુવનદાસ પટેલને યાદ કરતા જણાવ્યું કે, રાજ્યના પશુપાલકોના આર્થિક કલ્યાણ માટે ૧૭,૦૦૦ જેટલી દૂધ મંડળીઓ ચાલી રહી છે. ઉપરાંત ૧૦,૦૦૦ જેટલી ખેતી વિષયક મંડળીઓ, ૧૮મધ્યસ્થ સહકારી બેંક અને એક રાજ્ય સહકારી બેંક આમ, સંયુક્ત પણે આ સહકારી બેંકોના માધ્યમથી રાજ્યના ૫૦ ટકા થી વધુ ખેડૂતોની આર્થિક જરૂરિયાત સંતોષવામાં આવી રહી છે. અંતમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સાથે જ તેનું નેતૃત્વ કાબેલ, બાહોશ અને યોગ્ય એવા શ્રી અમિતભાઈ શાહને તેનું સુકાન સોપ્યું છે. જેથી સહકારીતા ક્ષેત્રના વિકાસને નવો વેગ મળવાનો છે તે નિશ્ચિત છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ આજના દિવસને સહકારી ક્ષેત્ર માટે ગૌરવવંતો ગણાવતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યનું સહકારી માળખાની સાથે સહકારી બેંકો પણ ખૂબ મજબૂત બની છે. જેના પરિણામે લોકો અને ખેડૂતોનો સહકારી ક્ષેત્રની બેન્કોમાં ભરોસો પણ વધુ મજબૂત બન્યો છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સફળતાને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં ગુજરાતનું સહકારી મોડલ અમલી બનવા જઈ રહ્યું છે. તેમણે અંતમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના કલ્યાણ માટે સહકારી ક્ષેત્ર ખૂબ મોટી ભૂમિકા હોવાનું જણાવતા સહકારી ક્ષેત્રને વધુ આગળ લઈ જવા માટે અનુરોધ કર્યો હતો.
એપીએમસી જુનાગઢ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સાત વર્ષ બાદ જૂનાગઢમાં આગમનને વધાવતા જણાવ્યું કે, દેશના ગૃહમંત્રીશ્રીના સબળ અને સફળ નેતૃત્વના પરિણામે અનુચ્છેદ ૩૭૦ દૂર કરવામાં સફળતા મળી છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને ત્રીજી વખત ફરી દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતું. અંતમાં તેમણે એપીએમસી-જુનાગઢના વિકાસ અને ખેડૂત કલ્યાણની પ્રવૃતિથી અવગત કરાવ્યા હતા.
આ પ્રસંગે એપેક્સ બેંકના ડિરેક્ટર શ્રી જશાભાઇ બારડે જુનાગઢ જિલ્લા સહકારી સંસ્થાની પૃષ્ઠભૂમિ અંગે જણાવ્યું હતું કે, એક સમયે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, ખરીદ વેચાણ સંઘ, સહકાર સંઘ, ગ્ર્રોફેડ આ સહકારી સંસ્થા નબળી પડેલ હતી પરંતુ સમયની સાથે અને સરકારશ્રીની મદદથી આજે સહકારી ક્ષેત્ર વિકાસના પંથે છે.
તેમને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બેંકે એક વર્ષમાં 32 કરોડનો નફો કર્યો છે તેમજ ૧૦ % ડિવિડન્ડ આપી રહી છે આગામી સમયમાં ૪૦ થી ૫૦ કરોડના નફાનો લક્ષ્યાંક છે.
ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારી સહાય મળે આર્થિક અને સામાજિક સમૃદ્ધિ આપવાનું કામ સહકારી સંસ્થા કરી રહી છે. સહકારી સંસ્થાના માધ્યમથી વડાપ્રધાનશ્રીના સૂત્ર સહકારથી સમૃદ્ધિના દ્વાર ખુલ્લી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશના અંતિમ માણસ સુખી થાય એ વિચારને સાર્થક કરવા વડાપ્રધાનશ્રીએ નવું જ મંત્રાલય કર્યું છે અને તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રને સજીવન કરવાનું કામ દેશભરમાં થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, સરકારની નવી નીતિથી પ્રાઇમરી સોસાયટી વધુ મજબૂત બનશે ગ્રામ્ય સ્થળે રોજગારીની તકો ઊભી થશે તેમજ સહકારી ક્ષેત્ર દેશના આર્થિક વિકાસમાં મુખ્ય પ્રવાહની માફક આગળ વધી રહ્યું છે.
કાર્યક્રમના અંતે જેડીસીસી બેંકના ચેરમેન શ્રી મનુભાઈ ખુંટીએ આભાર વિધિ કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ત્રણ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કોડીનારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનભાઈ વાજા, તાલાળાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ,ગીર સોમનાથ પંચાયતના પ્રમુખશ્રી રામીબેન વાજા, રાષ્ટ્રીય કૃષિ બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, એચ આર સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન શ્રી બીપીનભાઈ પટેલ, સાવજ ડેરીના ચુરમેનશ્રી દિનેશભાઇ ખટારીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, શ્રી ધવલભાઈ દવે તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને એપીએમસી જૂનાગઢના હોદ્દેદારો અને ડિરેક્ટરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


