સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના સાડા ત્રણના સુમારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના જોવા મળી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોતાં આજે વરસાદ બરાબરનો પડશે એવું વાતાવરણ વચ્ચે થોડો સમય માત્ર ઝાપટા જ પડ્યા. એમાં પણ મહુવા રોડ પર વરસી વાદળી જ્યારે હાથસણી રોડ પર લગભગ સાંજના છ વાગ્યાના સુમારે ગડગડાટ સાથે વાદળો પસાર થયાં અને વરસાદ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો. વાદળો એકરસ થઈ ગયા હોય વાતાવરણમાં ભરચોમાસા જેવું વાતાવરણ સર્જાયું. હાથસણી રોડ પર તો છેલ્લા અડધી કલાક કરતાં વધુ સમયથી વીજળી ગુલ થઈ ગઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. સાવરકુંડલા આસપાસના વિસ્તારમાં વંડા, પિયાવા, વીજપડી, આંબરડી ગામમાં કમોસમી વરસાદ વરસ્યાના સમાચાર પ્રાપ્ત થયા. એકંદરે માવઠાંનો વરસાદ પણ જણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવું વાતાવરણ સર્જી ગયો. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અચાનક આવતા વાતાવરણના પલટાને કારણે રોગચાળો વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આમ તો આજે રવિવાર હોય લોકો સાંજના સમયે ફરવા જવાનું આયોજન કરતાં હોય તેના પર પણ આ કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું.. રસ્તામાં પાણીની નદી વહેવા લાગી..

