Gujarat

બોડેલી તાલુકાના  ખોડીયા ગામનો દિવ્યાંગ જ્યેન્દ્રની ઉડાન:  અકસ્માતે બન્ને હાથ ગુમાવનાર કિશોર બન્ને પગની મદદથી સાયકલ ચલાવે છે!

વિજ કંપનીના ટ્રાંસફોર્મર પર ફસાયેલી પતંગ કાઢવા ચઢ્યોને ધડાકો થયો, દુર્ઘટનામાં બન્ને હાથ બળી ગયા
નસીબના ખેલ: બોડેલી તાલુકાના ખોડીયાનો 14 વર્ષનો જયેન્દ્ર તડવી ગજબનો આત્મવિશ્વાસ ધરાવે છે! પ્રોફેશનલ સાયકલિસ્ટની જેમ સડસડાટ સાયકલ દોડાવે છે
માત્ર 9 વર્ષનો હતો ત્યારે બોડેલી તાલુકાના ખોડીયા ગામનો જયેન્દ્ર તડવી ગામમાં આવેલ વિજ કંપનીના ટ્રાંસફોર્મર પર ફસાયેલી પતંગ કાઢવા અને તેને આસમાનમાં ચગાવવાની તૈયારીઓના ઇરાદે ઉપર ચઢ્યો.પણ તેના નસીબની બલિહારી કહો કે વિધિના વિધાન કહો એ દિવસની ઘટનાએ માસુમ આદિવાસી બાળકની જીંદગી નર્ક બનાવી દીધી.ડી.પી. પર ફસાયેલી પતંગ કાઢવા ચઢ્યો. પતંગ કાઢી પણ લીધી અને 66 કે.વી. હાઇ ટેન્સન લાઇનને તેના બન્ને હાથ અડી ગયા. આ માસુમ છોકરાના બન્ને હાથ ભુજાઓ સાથે આખા કાપી નાંખવા પડ્યા!
ઘટનાને 5 વર્ષ ઉપરાંત સમય થઇ ગયો છે.તે સાથે આ કિશોર હવે 14 વર્ષનો થઇ ગયો છે.કિસ્મત તેની સાથે કેવા ખેલ ખેલે છે તે તો જુઓ.બન્ને હાથ નથી છતાં તે સાયકલ તેના બન્ને પગની મદદથી પ્રોફેશનલ સાયકલિસ્ટની રીતે ચલાવી જાણે છે.
ગરીબ આદિવાસી પરિવારના આ કિશોરના માતાપિતા ખેતરમાં શ્રમ કરે છે.પિતા નરેશભાઇ પરસોત્તમભાઈ તડવી આર્થિક રીતે સાવ કમજોર છે.માતા અરૂણાબેન તડવી પણ ખેતરોમાં મજૂરી કરે છે.મજૂરીમાં જે કઇ પણ પૈસા મળે તેમાંથી પરિવારનું ગુજરાન ચાલે છે.આર્થિક તંગીઓને કારણે જ તો કિશોર ડી.પી. પર પતંગ લૂંટવા દોડ્યો અને બન્ને હાથ ગુમાવી દિવ્યાંગ બન્યો!
આજે તેના પરિવાર સામે અનેક આર્થિક પડકારો છે.માતા પિતાને પુત્રની પણ ચિંતા છે.પણ આ કિશોર હિમતનો રાજા છે.ગામના છોકરાઓ સાથે રમવા જાય ત્યારે સાયકલ બંને પગથી એકદમ સ્થિર ચલાવે છે.સાયકલ ચલાવવા હેન્ડલ પકડવું અત્યંત જરૂરી છે.છૂટું મુકો તો થોડી વાર માટે જ.પણ આ કિશોર એક પગ હેન્ડલ પર બીજો પગના પેન્ડલ પર મૂકી સડસડાટ ગામની શેરીમાં ભગાડે છે.સાથી છોકરાં તેની સાયકલ ચલાવતા વેળા ચિયરઅપ કરી પ્રોત્સાહિત પણ કરતા હોય છે.જયેશની આ અદા જોઈ સાથી છોકરાંઓ પણ શરમાઇ જાય છે.દૂરથી તમે જુઓ તો એમ લાગે કે કોઈ કિશોર હાથ પાછળ બાંધી સાયકલ ચલાવી રહ્યો છે.
જયેન્દ્રને મદદરૂપ બનવા ઘેલપુરના સેવાભાવી કાર્યકર ભરતભાઇ શાહ અને ખોડીયાના યુવાન સરપંચ કમલેશભાઈ વરીયા, માજી સરપંચ પ્રતાપભાઇ તડવી સહિતના આગેવાનોએ વારંવાર પ્રયત્નો કર્યા છે.ડુપ્લીકેટ હાથ બનાવી આપતી પરપ્રાંતની એન.જી.ઓ.ની પણ મદદ લીધી હતી.એ હાથ કારગત નીવડ્યા નહતા.પણ કિશોર જ્યેન્દ્ર ગજબનો આત્મવિશ્વાસ ધરાવે છે.બન્ને હાથ જતા રહ્યા તેના ગમમાં દુઃખી રહેવાને બદલે આ અવસ્થામાં જિંદગી કેવી રીતે મૂલ્યવાન બનાવવી તેની ચિંતા કરે છે.બન્ને પગ ને જ હાથ સમજી તેનો બહુ હેતુક ઉપયોગ કરી જાણે છે.
બોક્સ 2
જ્યેન્દ્ર તડવી કહે છે – ‘હાથ ગુમાવ્યા છે,હિંમત નહિ!’
જયેન્દ્રએ બન્ને હાથ ગુમાવ્યા પછી પણ હિંમત હાર્યો નથી.જીંદગી બાળ અવસ્થામાં રમતાં રમતાં કાઢી. હાથ ગુમાવ્યાં પછી પણ હતાશ થયા વિના માતા પિતા સાથે તે અડીખમ રહે છે.કહે છે ને કે, કુદરત જ્યારે શરીરમાંથી કઈક છીનવી લે છે તો કંઈક નવું આપી પણ દે છે.જે આપે છે તે વધુ કિંમતી અને ગુમાવેલ ચીજ કરતાં વધુ મૂલ્યવાન હોય છે.તેવી આપણી શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે.જ્યારે તકદીર એક દરવાજો બંધ કરે છે તો બીજો દરવાજો પણ ખોલી જ નાખે છે.પણ આપણે બંધ દરવાજા પાસે હતાશા સાથે તેના ખુલવાની રાહ દેખી બેસી રહીએ છીએ.બસ આવું જ આ કિશોર સાથે થઇ રહ્યું છે.તે આત્મવિશ્વાસ સાથે કહે છે ‘મેં હાથ ગુમાવ્યા છે, હિંમત નહિ!”
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20230414-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *