જૂનાગઢ જિલ્લામાં ૧૦૦૦ કે, તેથી વધુ લોકોની અવર-જવર રહેતી હોય તેવા એકમ કે પેઢીમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસીયાએ જુદા-જુદા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર જાહેર સલામતી માટે આ મતલબનું જાહેરનામું બહાર પાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લૂંટ, ધાડ જેવા ગુનાઓ તથા આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ ગુનાઓ નિવારવા શોધવા અને ઇન્વેસ્ટિગેશનની કામગીરીમાં સીસીટીવી ફૂટેજ ઉપયોગી અને મહત્વના કડીરૂપ બનતા હોય છે. આમ, જાહેર જનતાની સલામતી અને સુખાકારી જળવાઈ રહે તે માટે અને સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પબ્લિક સેફટી મેજર્સ લેવામાં આવી રહ્યા છે.
જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લામાં દિવસ દરમિયાન ૧૦૦૦ કે તેથી વધારે વ્યક્તિઓની અવર-જવર રહેતી હોય તેવા એકમો કે પેઢીમાં સેફટી મેજર્સ લેવામાં આવશે. જે મુજબ પેઢી ચલાવતા માલિક કે, મેનેજરે પેઢીનું સીસીટીવી રેકોર્ડિંગ રાખવાનું રહેશે તથા આ રેકોર્ડિંગ ૩૦ દિવસ સુધી સાચવવાનું રહેશે. સાથે જ સક્ષમ અધિકારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે.
ઘણાં ખરા કેસોમાં ગુનેગારો સીસીટીવી કેમેરા ડીવીઆર તોડી નાખતા હોય છે. જેથી સીસીટીવી રેકોર્ડિંગ એક્સેસ કરવું મુશ્કેલ બને છે અથવા શક્ય બનતું નથી. તેમ ન બને તે હેતુસર ડીવીઆર સિસ્ટમને કોઈ નુકસાની ન થઈ શકે તે રીતે સિસ્ટમ કેમેરાથી અલગ-અલગ જગ્યાએ લોકરમાં સુરક્ષિત રાખવાની રહેશે. સીસીટીવી કેમેરાઓમાં ભારતીય માનક અનુસાર ચોક્કસ સમય સેટ કરવાનો રહેશે. સીસીટીવી કેમેરાને લગત તમામ અનુષંગિક ટેકનિકલ સ્પેસિફિકેશન માટે ગુજરાત પબ્લિક સેફ્ટી મેજર્સ એન્ડ રુલ્સ-૨૦૨૨ના નિયમો અનુસરવાના રહેશે.
જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપ માલિક-સંચાલકોએ પેટ્રોલ પંપનો સમગ્ર વિસ્તાર આવરી લે અને પેટ્રોલ-ડીઝલ ફિલિંગ સ્ટેશન ઉપર ફ્યુલ રિફિલિંગ માટે આવતા વાહનના નંબર તથા ચાલક સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે નાઈટવિઝન તથા હાઈડેફીનેશન સાથેના સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.
જૂનાગઢ જિલ્લામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલ, કોલેજો વગેરેમાં બાળકો-વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. જેથી આ તમામ શૈક્ષણિક સંકુલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ તથા પાર્કિંગ સ્થળ ખાતે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. મહત્વનું છે કે, ૧૦૦૦ લોકોની અવર-જવરની સંખ્યાને ધ્યાને લીધા વિના શૈક્ષણિક સંસ્થાઓ, પેટ્રોલ પંપ, ઉપરાંત બેંક, એટીએમ, જવેલર્સ, આંગડિયા પેઠી વગેરે જગ્યાએ નાણાં અને કિંમતી ચીજવસ્તુઓની લેવડ-દેવડ તથા સંગ્રહ થતો હોય જેથી આ પ્રકારની જગ્યાએ વિશેષ સુરક્ષાના પગલાં લેવાની જરૂરિયાત હોય જેથી ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.
શહેર અને ગ્રામ્ય તથા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ, ખાણીપીણીની લોજ, ફાસ્ટ ફૂડની દુકાન, બાધા, ગેસ્ટ હાઉસ, લોજીંગ બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ, રિસોર્ટ, ફાર્મ હાઉસ વગેરેના સંચાલકો અને માલિકોએ રોકાણ માટે આવેલ મુસાફરોના આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રુફ, મુલાકાતનું કારણ, ખાનગી વાહનના રજીસ્ટ્રેશન નંબર વગેરે વિગતો મેળવી, તેની જરૂરી નોંધ કરી મુસાફરોને ઉતારો આપવાનો રહેશે.
પ્રાઇવેટ સિક્યુરિટી રાખવા માંગતા એકમ-પેઢીઓએ લાયસન્સ ધરાવતી અધિકૃત સિક્યુરિટી એજન્સીના તથા તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડ રાખવાના રહેશે. આ કાર્ડ રાઉન્ડથી ક્લોક રાખવાના રહેશે. તેમજ સિક્યુરિટી એજન્સીની માલિકીમાં ફેરફાર કે બદલાવ થાય તે અંગેની જાણ તુરત જ એસ.ઓ.જી શાખા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી, જૂનાગઢમાં તથા નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે.
મલ્ટી પર્પસ થિયેટર, કોમર્શિયલ મોલ-સેન્ટર રોપ- વે તથા મેળાના કાર્યક્રમના આયોજકોએ આ સ્થળો ખાતે મેટલ ડિટેક્ટર લગાવવાના રહેશે.
આ જાહેરનામુ તા.૧૦-૬-૨૦૨૩ સુધી અમલમાં રહેશે. તનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
