આગામી વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીની પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ચોમાસામાં સંભવિત આપદાઓના સંદર્ભે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં નવા નિયુક્ત અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રના ભૌગોલિક વિસ્તારથી પરિચિત થવા માટે સૂચના આપતા કહ્યું કે, ભારે વરસાદની પરિસ્થિતિમાં જાનહાનિ ન થાય અને લોકોના જાન-માલને નુકસાન ન થાય સાથે જ આપત્તિની સ્થિતિમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
ડિઝાસ્ટરમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર અધિકારી-કર્મચારીમાં સામે કડક પગલાં ભરવાના કલેક્ટરશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતાં. સાથે જ આપત્તિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
કુદરત દરેક આપદામાં નવો સંદેશ આપે છે. તેમ જણાવતા કલેક્ટરશ્રીએ વર્ષાઋતુમાં સંભવિત આપદાઓમાં રાહત બચાવ કાર્ય સુચારૂ રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જર્જરીત મકાનોને દૂર કરવા માટે નોટિસ આપવા, પૂરની સ્થિતિમાં વૈકલ્પિક રસ્તાઓ અને ખાસ કરીને તેમણે પીજીવીસીએલ દ્વારા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ સુચારૂ રીતે કાર્યરત રહે તે માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.
ઉપરાંત સ્થળાંતરની સ્થિતિમાં સેલ્ટર રૂમ ખાતે પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરવાની સાથે પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રીની ઉપલબ્ધતા અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપી હતી. જિલ્લાના જળાશયોમાંથી પાણી છોડવા સમયે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા માટે સુચારૂ રીતે કોમ્યુનિકેશન થાય તે માટે સૂચનાઓ આપી હતી.
ભારે વરસાદની સ્થિતિમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ, પીવાના પાણીનું ક્લોરીનેશન અને આવશ્યક દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. આ ઉપરાંત તરવૈયાનું યાદી અને રાહત બચાવવા માટે ઉપલબ્ધ સાધનોની અધ્યતન વિગતો તૈયાર કરવા માટે સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા શ્રી કરણરાજ વાઘેલા, જિલ્લા પુરવઠા અધિકારી રીનાબેન ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, સહિતના સંબંધિત અધિકારી તથા જિલ્લાના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


