ભેંસાણ તાલુકાના વર્ષ ૯ થી ૧૬ વર્ષ સુધીના તરુણો અને બાળકો માટે એક બાલ શિબિરનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભેસાણ દ્વારા શ્રી માધવ શૈક્ષણિક સંકુલ- ભેસાણ ખાતે રાખવામાં આવ્યું હતું.
જેમાં સૌપ્રથમવાર ૮૦ જેટલા બાળકો અને તરુણો ભેસાણ તાલુકાના ૧૯ જેટલા ગામોમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા. તારીખ ૧૦ અને ૧૧ મે ૨૦૨૩ એમ દ્વિદિવસીય આ બાલ શિબિરમાં જુદા જુદા સત્રો લેવા માટે જૂનાગઢ થી વિશેષ તજજ્ઞ ઉપસ્થિત રહયા હતા. જેમાં બાળકોનું માનસિક ઘડતર થાય અને શારીરિક ઘડતર થાય તેમજ નાનપણથી જ આ બાળકોમાં શિસ્ત, અનુશાસન અને સંસ્કારનું સિંચન થાય અને સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં તેઓ પણ આગળ જતાં સહભાગી બને તે પ્રકારનું જ્ઞાન તેઓને આપવામાં આવ્યું હતું.
આ દ્વિદિવસીય શિબિરમાં આવી બાળકોએ વિવિધ દેશી રમતો દ્વારા આનંદ માણ્યો તેમજ સવારમાં અગ્નિહોત્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ યજ્ઞનું મહત્વ સમજે અને પોતાના ભવ્ય વારસાથી અવગત થાય. આ શિબિરને સફળ બનાવવા માટે તાલુકા કાર્યવાહ વિરલ ભેસાણીયા, ચિંતન ઊંધાડ તથા માધવ સ્કૂલ ભેસાણના સંચાલક પ્રિતેશ કોઠીયા સહિત શિક્ષક કર્મચારીઓ તથા સંઘના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.


