Gujarat

સંભારણાં પણ ચિરંજીવી હોય છે.. સાહિત્ય, સંગીત અને સૂરનું તાદાત્મ્ય સાધી સાવરકુંડલા શહેરમાં કવિ શ્રી  રમેશ પારેખને સ્મરણાંજલિ પાઠવી કવિતા વાગોળવાનો અદ્ભૂત અવસર અર્થાત કવિશ્રી રમેશ પારેખને તેમની પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. ર. પા. નામે એક શહેર અમરવેલી.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
કાર્યકમનું સમાપન સાવરકુંડલાના બે આશાસ્પદ કલાકાર શ્યામ શેલડિયા (તબલાવાદન) અને કલરવ બગડા (હાર્મોનિયમવાદન) એ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબની યાદગાર રચના યાદ પીયા કી આયે.. પેશ કરી કવિશ્રીઓની દાદ ઝીલી હતી.
છ અક્ષર = રમેશ + કવિતા.
રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મુશાયરાની સાંજ કવિતામય બની
——————————————————————–
થોડા દિવસ પહેલાં સદીના મહાકવિ રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં તેમની કવિતાને યાદ કરી અનેક કાર્યક્રમો થયા. કવિ દેહથી તો આ ફાની દુનિયા છોડી ગયા છે, પરંતુ તેમના શબ્દો, તેમની કવિતા અને રસિકજનોમાં તેમનો પ્રેમ હજુ પણ અચળ છે. સૌરાષ્ટ્રે અનેક મહાન કવિઓ, તંત્રીઓ, લેખકો, નવલકથાકારો અને પત્રકારો ગુજરાતી ભાષાને આપ્યા છે. કલાપીથી લઈ બોટાદકર અને કાંતિ ભટ્ટથી લઈ ભૂપતભાઈ વડોદરિયા, અનિલ જોષીથી,  વિનોદ જોષી અને ભરત વિંઝુડાથી, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુથી રાજેન્દ્ર શુક્લ સુધીના કવિઓ સૌરાષ્ટ્રની મહાન ભૂમિનાં સંતાનો છે. એક સમયે ભાવનગર માટે કહેવાતુ કે તમે જો આકાશમાં કોઈ પણ પથ્થર ઉછાળો તે કોઈ કવિના ઘર પર જ પડશે, એટલે કે દર બીજું ઘર ભાવનગરમાં કવિઓનું હતું. અમરેલીએ પણ હર્ષદ ચંદારાણા, ઉસ્માન મિલીન, ભરત વિંઝુડા, રોહિત જીવાણી, જિતુભાઈ તળાવિયા, રાજુલાના કવિ હેમાળવી,  હરજીવન દાફડા, સ્નેહી પરમાર, નટુભાઈ રાવળ જેવા ઉત્કૃષ્ટ કવિઓની ભૂમિ રહી છે. પરંતુ આ બધામાં સૌથી ચમકતો અને સૌનો લાડકો કવિ એટલે રમેશ પારેખ. બિલોરી કાચ જેવાં ચશ્માંમાંથી જોતી તેની ચબરાક નજર અને તેમની શૈલીએ ગુજરાતી કવિતાને એક નવી દિશા અને નવી ક્ષિતિજે લઈ ગઈ. રમેશ પારેખ પહેલાં ક્યારેય કોઈ છોકરીને સ્વપ્નમાં છોકરો આવ્યો નહોતો કે પછી કોઈએ ઢાળ ઊતરતી કેડીએ ગુલાબનું ફૂલ આપ્યું નહોતું. ધોધમાર વરસાદમાં પણ કોરાકટ્ટ રહેવાનું રમેશ પારેખે કહ્યું ત્યારે ખબર પડી કે ધોધમાર વરસાદમાં પણ અંદરથી કોરા રહી જવાય છે.
ખાલી થયેલા ગામને જાસા માત્રને માત્ર રમેશ પારેખ જ મોકલી શકે, બીજું કોઈ નહીં. ફૂલો હિંસક હોઈ શકે અને પ્રેમીને ગજરો મોકલવાની ના પાડવાનુ શીખવ્યું રમેશ પારેખે. દરિયામાં તો સૌ ડૂબે, પરંતુ રમેશભાઈએ તો આપણને ક્યારેક ખાબોચિયામાં પણ ડુબાડ્યા હો, ને કવિતાપ્રિય લોકોના હાથમાં ચોક થમાવી રમેશભાઈ કહે છે કે લખો તમારા હાથ વત્તા કેટલા ગુલાબ લખો, ખરાબ સ્વપ્નથી નંબર વધે ચશ્માંના એવું કોઈ આંખનો ડૉક્ટર ન કહી શક્યો, પરંતુ રમેશભાઈએ શોધી આપ્યું આપણને… આવા મહાન કવિની પુણ્યતિથિએ અમરેલી અને રમેશભાઈના ફેવરિટ ગામ સાવરકુંડલામાં મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીમાં યોજાયેલ  કવિસંમેલન રાજ્ય સરકારની દેખરેખવાળા સાહિત્ય અકાદમી દ્વારા યોજવામાં આવ્યું હતું. જ્યારે સાવરકુંડલામાં રમેશ પારેખના ચાહકો અને કવિતાપ્રેમીઓએ અદ્ભુત કવિસંમેલનનું  આયોજન કર્યું. સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બગસરા વગેરે પોતાના પ્રિય કવિની યાદને જીવંત રાખવા સતત પ્રયાસ કર્યા કરે છે.
જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ચેટજીટીપી અને બીજા ગેજેટો માનવજીવનમાં કબજો લઈ રહ્યાં છે તે જોતાં આગામી સમયમાં સંસ્કૃતિ, ભાષાને બચાવવા માટે અને જીવંત રાખવા કવિઓ, લેખકો અને પુસ્તકોનો વ્યાપ વધે અને તેવી પ્રવૃત્તિ વધે તેવા પ્રયાસો કરવા પડશે.
સાવરકુંડલામાં વર્ષોથી સાહિત્ય, નાટ્યપ્રવૃત્તિ અને શિક્ષણ સાથે સંકળાયેલા વિનુભાઈ રાવળ આ સ્તુતીય પ્રવૃત્તિને સ્વખર્ચે ચલાવી રહ્યા છે. તેમને જ્યારે તક મળે ત્યારે કવિસંમેલન, લેખક સેમિનાર , નાટ્યશિબિર વગેરેનું આયોજન કરી સમાજને જેની સૌથી વધુ જરૂર છે તેવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે.
 રમેશ પારેખના સૌથી ફેવરિટ કવિ ભરત વિંઝુડાનું વતન સાવરકુંડલા હોવાથી સાવરકુંડલામાં યોજાયેલ રમેશ પારેખ પુણ્યતિથિ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિશ્રી ભરત વિંઝુડા, કવિશ્રી રમણિક અગ્રાવત, કવિશ્રી  નટુભાઈ રાવલ, શ્રી વિજય મહેતા, શ્રી અલ્તાફ ભુરાણી વગેરેની હાજરીમાં રમેશભાઈને ખૂબ ભાવ સાથે યાદ કરવામાં આવ્યા.  ઉપરાંત સાવરકુંડલાને જેમના પર સદાય ગૌરવ છે તેવા શ્રી લલ્લુબાપા શેઠના પુત્ર શ્રી દિપકભાઈ શેઠ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયાબીટિક પેશન્ટને જેમની ટ્રીટમેન્ટ પર અતૂટ શ્રદ્ધા છે તેવા ડૉ. વાણિયાસાહેબ વગેરેએ રમેશ પારેખની કવિતાની કવિતા સાંભળી. આ તબક્કે ભરત વિંઝુડા અને રમણિક અગ્રાવતે પોતાની સ્વરચિત કવિતાનું પાન કરાવી શ્રોતાઓને ડોલાવી દીધા હતા.
યજમાન વિનુભાઈ રાવલ અને તેમનાં પત્ની દ્વારા કવિતાપ્રેમીઓનું ભવ્ય સ્વાગત કરી રમેશ પારેખની પુણ્યતિથિની સાંજને કવિતામય બનાવી હતી. કાર્યક્રમના અંતે બે યુવા કલાકારો શ્યામ શેલડિયા (તબલાવાદન) અને કલરવ બગડા (હાર્મોનિયમવાદન)એ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબની યાદગાર રચના ‘યાદ પીયા કી આયે…’ પેશ કરી કવિશ્રીઓની દાદ ઝીલી હતી.
— પ્રસ્તુતિ મહેન્દ્રભાઈ બગડા. સુપ્રસિદ્ધ ટી.વી.જર્નાલીસ્ટ

IMG-20230522-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *