જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા “કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” અન્વયે જાગૃતિ કાર્યક્રમનું આયોજન રાજાણી ગૃપ ઓફ કંપનીમાં કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીમા કામ કરતી મહિલાઓને જાતિગત સમાનતા, સાયબર ક્રાઇમ, મહિલા સબંધી કાયદાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર દ્વારા વન સ્ટોપ સેન્ટરની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી એમ.જી. વારસુર દ્વારા કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.સી.ડી.ભાંભી દ્રારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવીકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, સ્વાલંબન યોજના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાઘડાર દ્વારા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ અંગેની રૂપરેખા આપવામાં આવી. રાજાણી કંપનીના શ્રી રાજભાઈ રાજાણી દ્રારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર મીરાબેન કરમુર, સખી વન સ્ટોપ સેન્ટરના કૃપાબેન ખુંટ તેમજ કંપની કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


