Gujarat

મિશન લાઈફ હેઠળ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા લોકોને કરાતા પ્રેરિત  

ગિર-ગિરનાર આપણા ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના વાહક છે. પ્રતિ વર્ષ લાખો પ્રવાસી-શ્રદ્ધાળુઓનો અહીં આવરો-જાવરો રહે છે. તેમાં પણ ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીનો મેળો બે મોટા ધાર્મિક આયોજનો થાય છે. ત્યારે જૂનાગઢ વન વિભાગ આ ક્ષેત્ર સ્વચ્છ રહે, પ્રાકૃતિક સંપદા અને અન્ય પ્રાણીઓને નુકસાન ન થાય તે માટે સતત સજાગ અને સતર્ક રહે છે.

        ગિરનાર વન વિભાગની દક્ષિણ રેન્જમાં આવે છે, તેના આર.એફ.ઓ. શ્રી અરવિંદ ભાલીયા કહે છે કે, આપણા વિસ્તારમાં કુદરતે છુટા હાથે પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય  વેર્યું છે. અહીંયા ગિરનું જંગલ છે, તેમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. પૌરાણિક તથા આધ્યાત્મિક મહત્વ ધરાવતો ગિરનાર પર્વત છે. જેમાં વિવિધ ધર્મના આસ્થા કેન્દ્રો આવેલા છે. તેમ જણાવતા શ્રી ભાલીયા કહે છે કે, આમ, અહીંયા ધાર્મિકની સાથે પ્રાકૃતિક વૈવિધ્યનો સંગમ જોવા મળે છે. ત્યારે ખાસ કરીને પ્રાકૃતિક અને વન્યજીવોના રક્ષણની જવાબદારી વન વિભાગના શીરે આવે છે, તે માટે વન વિભાગ પુરી સતર્કતા સાથે કામ કરે છે.

        વન્ય પ્રાણીઓ અને વૃક્ષોને નુકસાન ન થાય તે માટે વન વિભાગ સતત ખડેપગે રહે છે. તેમાં પણ ગિરનાર પર્વત ફરતે ૩૬ કિ.મી. ની લીલી પરિક્રમા દર વર્ષે યોજાઈ છે. ઉપરાંત તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો પણ યોજાય છે. ત્યારે આ અભયારણ્ય વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓનું આવા-ગમન થાય છે. જેમાં પ્લાસ્ટિક સહિતનો કચરો થતો હોય છે, ત્યારે વર્ષો સુધી નાશ ન પામે તેવો પ્લાસ્ટિકનો કચરો વન્ય પ્રાણીઓ અને પ્રકૃતિને નુકસાન કરતો હોય છે.

        વનતંત્ર આ કચરાને દૂર કરવા માટે સક્રિયતાથી કામ કરે છે, જેમાં વન વિભાગની સાથે સેવાકીય સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે. આમ, સામાજિક સહયોગ સાથે પ્રકૃતિને સ્વચ્છ રાખવાનું કામ કરવામાં આવે છે. આ વર્ષે પણ સર્વેના સહયોગથી ૨૦ ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

        ઉપરાંત જનજાગૃતિના સ્તરમાં વધારો કરવા માટે મિશન લાઈફ હેઠળ પર્યાવરણના જતન માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં લોકોને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અને વર્તનના મહત્વ વિશે નિરંતર પ્રેરિત કરવામાં આવે છે. મિશન લાઈફ દ્વારા જળાશયો, જાહેર સ્થળો, વરસાદી પાણીનો સંગ્રહ, વીજળીનો બચાવ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો તથા શક્ય હોય ત્યાં સાયકલનો ઉપયોગ વગેરે પર્યાવરણના રક્ષણ માટેના સંદેશો આપવામાં આવે છે. વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોષીના માર્ગદર્શનમાં આ પ્રકારના સમયાંતરે કાર્યક્રમો ઉપરાંત વન સંરક્ષણની કામગીરી કરવામાં આવે છે. તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અરવિંદ ભાલીયાએ અંતમાં જણાવ્યું હતું.

plastic-aktra-gir-girnar-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *