બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારના હવામાન વિભાગના વેધર બુલેટિનથી મળેલ સૂચના મુજબ તા.૦૭/૦૬/૨૦૨૩ થી તા.૧૧/૦૬/૨૦૨૩ સુધી બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ નીચે જણાવેલ સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવે છે.
કમોસમી વરસાદથી પાક નુકશાનથી બચાવવા ખેતરમાં કાપણી કરેલ પાક બાગાયતી પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકિ દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. આંબાની ખેતી કરતાં ખેડૂત ભાઇઓએ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો. પપૈયા, જામફળ, કેળ જેવા ફળ પાકોમાં ટેક આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. પાક ઉપર જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા. એપીએમસીમાં વેપારી મિત્રો અને ખેડૂત ભાઇઓએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. માર્કેટયાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવામાં આવે છે. વધુમાં આ સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું હિતાવહ છે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬ , જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો: બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ફેકસ નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ઇમેલ: ddhhortibk@gmail.com, dydir-bag-ban@gujarat.gov.in પર સંપર્ક કરવા જણાવ્યું છે.


