જામનગર અને અન્ય દરિયાકિનારા ધરાવતા જિલ્લાઓમાં આગામી તા. 16 જૂન દરમિયાન
'બિપરજોય' વાવાઝોડાની આગાહી થયેલી છે. જામનગર જિલ્લાના તમામ ખેડૂતોએ હવામાન ખાતાની આગાહી અનુસાર
સંબંધિત વાવાઝોડાની સંભાવના હોઈ, અત્રે જણાવેલા આગોતરા સાવચેતીના પગલાંનું પાલન કરવાનું રહેશે.
જે મુજબ, ખેતી કરતા ખેડૂત મિત્રોએ તૈયાર થયેલી ખેત પેદાશો ઉતારી લેવી. તૈયાર ખેતપેદાશો સલામત સ્થળે ખસેડીને તેનો
સુરક્ષિત સંગ્રહ કરવો. જો ખુલ્લી જગ્યાએ ખેત પેદાશો પડી હોય તો તેના ઉપર તાત્કાલિક તાડપત્રી અથવા પ્લાસ્ટિક વડે તેને
યોગ્ય રીતે ઢાંકી દેવું.
તેમજ, ખેત પેદાશોના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય. આજુબાજુમાં
માટી ચડાવવી જોઈએ. આ ઉપરાંત, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળી ન જાય તેથી ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવો. આ ઉપરાંત, જંતુનાશક દવા, હોર્મોન્સ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો જોઈએ. એ. પી. એમ. સી. માં
વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવી. માર્કેટિંગ યાર્ડમાં આ દિવસોમાં વેચાણ અર્થે આવતી ખેત પેદાશો ખુલ્લી
જગ્યામાં ના રાખતા સુરક્ષિત સ્થળે રાખવી.
આ અંગે, વધુ માહિતી મેળવવા માટે તમારા નજીકના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ
અધિકારીશ્રી, તાલુકા મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ), કૃષિ
વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર- 18001801551 નો સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ ખેતી
નિયામકશ્રી, તાલીમ અને મુલાકાત યોજના, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
