રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બિપરજોય વાવાઝોડાની
સંભવિત સ્થિતિ સંદર્ભે જૂનાગઢ જિલ્લાની સ્થિતિ અને વાવાઝોડા સામે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મુખ્ય સચિવશ્રીને જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ કરતા જણાવ્યુ કે, જિલ્લામાં ૪,૬૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ-એસ ડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
કલેકટરશ્રીએ જણાવ્યુ કે, વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં વૃક્ષોને દૂર કરી ત્વરિત માર્ગને પૂર્વવત કરવામાં આવે છે. પીવાના પાણીનો પુરવઠો પહોંચાડવા માટે સંકલન સાથે તકેદારી લેવામાં આવી છે. વીજ પોલ પડી જવાની સ્થિતિમાં જરુરી ટીમ સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
આ વિડીયો કોન્ફરન્સમાં જૂનાગઢ ઉપરાંત કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાના કલેક્ટરશ્રીઓ જોડાયા હતા.
આ બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


