જુનાગઢ જિલ્લામાં 10 થી 15 ઇંચ ભારે વરસાદથી જિલ્લાની સૌથી મોટી ગણાતી ઓજત નદીના પૂર ઘેડના ગામડાઓમાં ફરી મળતા કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડના સુત્રેજ ગામના બે ખેડૂતો પોલાભાઈ ગોવિંદભાઈ માવદીયા અને સામરા સાંગા ડફેર વરસાદને કારણેવાડીની ઓરડીમાં સૂઈ ગયા હતા અને સવારે ઓજત નદીના પૂર થી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાતા જીવ બચાવવા ગામ તરફ ગયા પરંતુ પૂરનું પાણી વધતા અંતે જીવ બચાવવા નજીકના વીજ ઉપર પોલ પર ચડી ગયા હતા અને ફોનથી સરકારી તંત્રની મદદ માગી હતી.
આ બંને લોકોને બચાવવા માટે પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ જરૂરી મદદ માટે ખડે પગે રહ્યા હતા.
રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાને એનડીઆરએફની એક ટીમ ફાળવી હતી અને આ એનડીઆરએફની ટીમ કેશોદ તાલુકામાં ખડે પગે હતી .તુરંત એનડીઆરએફની ટીમે બોટ લઈને બંને અસરગ્રસ્તોને બચાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ પાણીના ધસમસતા પ્રવાહને લીધે બે બોટ વીજપોલ સુધી જઈ શકતી ન હતી. ચારેય દિશામાં કરેલા પ્રયાસ પછી પણ સફળતા નહીં મળતા અંતે પ્રાંત અધિકારીએ કલેક્ટર શ્રી અનિલ રાણાવસીયાને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપતા આ બંને લોકોને બચાવવા માટે એન ડી આર એફ ટીમ એ ભારે જહેમત વચ્ચે હેલિકોપ્ટર ની મદદ માગવામાં આવી હતી. ઉપરાંત નદીની બીજી તરફથી પહોંચવા માટે વિચારણા કરી હતી. પરંતુ તે તરફ પણ પાણીનો એટલો જ ધસમસતો પ્રવાહ હતો. અંતે આ બંને લોકોના બંને લોકોના જીવ બચાવવા માટે હવાઈ સેવાની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બંને લોકોના હેમખેમ રીતે જીવ બચાવવામાં તંત્રને સફળતા મળી હતી.
જિલ્લા વહીવટી તંત્રએ રાહત કમિશનર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગને જાણ કરતા જામનગર થી એરફોર્સ દ્વારા તાત્કાલિક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું અને આજે સાંજના અરસામાં બંનેને એર લિફ્ટિંગ થી બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પણ આ વિસ્તારમાં જરૂરી મદદ કાર્ય માટે પહોંચી ગયા હતા. સુત્રેજ ગામના સરપંચ કાનાભાઈ એ પણ એનડીઆરએફ ની ટીમને મદદ કરી હતી.


