Gujarat

વૃદ્ધા માટે દુઃખના આંસુ માત્ર આઠ કલાકમાં જ બન્યા હર્ષાશ્રુ

ગત તા.16 જૂનના રોજ જામનગરના સેતાવાડ વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાના
કારણે એક મકાન ધરાશાયી થયું હતું. એ ધરાશાયી થયેલ મકાનના કારણે ત્યાં એક વૃદ્ધા સહિત ચાર વ્યક્તિઓ ફસાયા
હતા. કોઈએ કંટ્રોલ રૂમને જાણ કરતા જામનગર ફાયર બ્રિગેડ તથા પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
તમામ વ્યક્તિઓને અન્ય માર્ગેથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. જેથી આ તમામ વ્યક્તિઓના જીવ પરનું
સંકટ ટળ્યું હતું.

ત્યારબાદ ગત તા. 3 જુલાઈના રોજ આ રેસ્ક્યુ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ સબબ માહિતી વિભાગના કર્મીઓ ઘટના
સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેઓએ આ વૃદ્ધા તથા તેમાં ફસાયેલ અન્ય લોકોને મળી સ્થિતિ અંગેની સમગ્ર વિગતો
જાણી હતી. ત્યારે વિશેષ બાબત એ જણાયેલ કે રેસ્ક્યુ કરાયેલ લોકોમાંથી 73 વર્ષીય વિજયાબેન દાસાણી કે જેઓના
પતિનું વર્ષો પહેલાં અવસાન થયેલ છે, અને તેઓને બાળકો કે પરિવારમાં અન્ય કોઈ નથી અને હાલ તેઓ એકલવાયું
જીવન જીવી રહ્યા છે, તેમનું આરોગ્ય ખૂબ કથળેલું છે અને હાલ તેમના પાડોશીઓએ તેમના માટે રહેવાની વ્યવસ્થા
કરી આપી છે.

આ વિગતો ધ્યાને આવતાં જ માહિતી વિભાગ દ્વારા તાત્કાલિક જામનગરના સખીવન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરાયો
હતો, અને વૃદ્ધા અંગેની સમગ્ર બાબત જણાવી હતી જેથી તાત્કાલિક સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી હેતલબેન તથા
શિવાંગીબેન માહિતી વિભાગ સાથે એ વૃદ્ધા પાસે પહોંચ્યા હતા અને તેઓનું કાઉન્સેલિંગ કર્યું હતું.

ત્યારે વાતચીત દરમિયાન વિજયાબેને રડતા રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે "મને આંખે દેખાતું નથી,
મને બી.પી. સહિતના અનેક રોગો છે, હું મારું નિત્યક્રમ પણ જાતે કરવા સક્ષમ નથી. શરીરની અસક્ષમતાને કારણે
ઘણા દિવસથી હું જમી પણ નથી શકીમારા પતિનું અવસાન થયું છે અને મારે કોઈ બાળકો પણ નથી. જેથી આ
હાલતમાં કાયમ મારી સેવા-ચાકરી તો કોણ કરે? જીવનથી કંટાળી એક વખત મેં આત્મહત્યાનો પણ પ્રયાસ કરેલો પણ
જીવનમાં હજુ દુઃખો વેઠવાના બાકી હશે તે હું બચી ગઈ. અધૂરામાં પૂરું વાવાઝોડાના કારણે મારું ઘર પણ જર્જરિત
થઈ ગયું જેથી શારીરિક રીતે તો હતી જ હવે તમામ રીતે હું પરવશ થઈ ગઈ."

વૃદ્ધાની વેદના સમજી તુરંત જ સખીવન સ્ટોપ સેન્ટરના સંચાલકે વૃદ્ધા માટે શ્રેષ્ઠ આશ્રમની શોધ આદરી અને માત્ર
આઠ કલાકના ટૂંકા ગાળામાં જ સારું આરોગ્ય જળવાય, જરૂરી દવાઓ મળી રહે, રહેવા તથા જમવાની સહિતની
સારી સુવિધાઓ હોય તેવો આશ્રમ વૃદ્ધા માટે શોધી કાઢ્યો અને મોરબી ખાતેના શ્રી યદુનંદન આશ્રમમાં તેઓને
મોકલવા સહિતની વ્યવસ્થાઓ કરી વિજયાબેનનું પુનઃસ્થાપન કર્યું.

આમ સરકારી વિભાગોના શ્રેષ્ઠ સંકલનને કારણે આજે એક વૃદ્ધાને ન માત્ર નવજીવન મળ્યું પણ તેઓ પોતાની
આગળની જિંદગી પણ સારી રીતે વ્યતીત કરી શકે તેવી વ્યવસ્થાઓ પણ મળી.

KHAAS-LEKH-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *