નવી દિલ્હી
દેશમાં વધુ ૫૧ લાખથી વધુ રસીના ડોઝ મુકાવા સાથે કોરોના રસીકરણ અભિયાનમાં રસીના કુલ ૧૦૩ કરોડથી વધુ ડોઝ અપાયા છે. દેશમાં રસીકરણ અભિયાનમાં ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને રસી આપવાનો ત્રીજાે તબક્કો શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ૪૧.૧૦ કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ જ્યારે ૧૩.૧૧ કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. વધુમાં સંયુક્ત રીતે કુલ ૭૨.૧૩ કરોડથી વધુ પહેલો ડોઝ અને ૩૧.૩૫ કરોડથી વધુ બીજાે ડોઝ અપાયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દરમિયાન પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કોરોનાના કેસ અને મોતની સમિક્ષા કરવા અને કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે તહેવારો ઊજવાય તેના પર ભાર મૂકવા જણાવ્યું હતું. કોલકાતામાં કોરોનાના કેસો વધવા મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૩૦ દિવસમાં કોરોનાના ૨૦,૯૩૬ કેસ અને વધુ ૩૪૩નાં મોત નોંધાયા છે, જે સમાન સમયમાં ભારતના નવા કેસોના ૩.૪ ટકા જેટલા અને વધુ મોતના ૪.૭ ટકા જેટલા છે. કોલકાતામાં છેલ્લા સપ્તાહમાં નવા કેસની દૈનિક સરેરાશ પણ વધી છે. રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસો પર નિયંત્રણ લાવવા માટે યોગ્ય પગલાં લેવા જાેઈએ અને રસીકરણના બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રીત કરવું જાેઈએ. દરમિયાન દિલ્હીમાં ઈએસઆઈ હોસ્પિટલમાં કોરોના વાઈરસના શકમંદ દર્દીની સારવારમાં કથિત તબીબી બેદરકારીની નોંધ લેતાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કેન્દ્રીય શ્રમ મંત્રાલયને કારણદર્શક નોટિસ પાઠવી હતી. એનએચઆરસીએ મંત્રાલયને ઈએસઆઈ સુવિધા કેન્દ્રમાં તબીબી બેદરકારીના કારણે મૃત્યુ પામેલા દર્દીના પરીવારને રૂ. ૨ લાખની નાણાકીય સહાયની ભલામણ કરી હતી. ફરિયાદ મુજબ એક વ્યક્તિ ગંભીર રીતે બીમાર હતી અને તેને કોરોના હોવાની આશંકા હતી, છતાં દિલ્હીમાં ઝિલમિલ ખાતેની ઈએસઆઈ હોસ્પિટલે તેને ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરીને તાત્કાલિક સારવાર આપવાના બદલે એકથી બીજી સરકારી હોસ્પિટલમાં રીફર કરી હતી. આ સમયમાં તેનું મોત થયું હતું.દેશમાં કોરોના દૈનિક નવા ૧૨,૪૨૮ કેસ નોંધાયા હતા, જે ૨૩૮ દિવસમાં સૌથી છે જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૧,૬૩,૮૧૬ થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ વધીને ૩.૪૨ કરોડને પાર થયા છે જ્યારે વધુ ૩૫૬ મોત સાથે કુલ મૃત્યુઆંક ૪.૫૫ લાખને પાર થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩.૩૫ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૫૩ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા અને અગાઉના સમયના મોતના આંકડાનો ઉમેરો કરતાં તેણે વધુ ૨૨૮નાં મોત થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કોરોનાના કુલ કેસમાં એક્ટિવ કેસોનું પ્રમાણ ઘટીને ૦.૪૯ ટકા થઈ ગયું છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૩,૮૭૯નો ઘટાડો થયો હતો. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૧૦ ટકા નોંધાયો હતો.
