ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળો/જગ્યાઓ પર સાયકલ, મોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોમ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવેલ હોવાનું તથા ભવિષ્યમાં આવી ઘટનાઓની શક્યતાને નકારી શકાય નહીં, તેવું જણાવી જૂનાગઢ જિલ્લામાં સાયકલ તેમજ બેટરીથી ચાલતા સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ વ્હીલર/થ્રી ફોરવ્હીલર/ફોર વ્હીલર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટો દ્વારા આવા વાહનોના વેચાણ સમયે જરૂરી સુચનાઓની અમલવારી કરવાની રહેશે. જે અંતર્ગત ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વ્યાજબી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલને જૂનાગઢ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સાયકલ તેમજ બેટરીથી ચાલતા સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ વ્હીલર/થ્રી ફોરવ્હીલર/ફોર વ્હીલર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ આવા સાયકલ સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ વ્હીલર/થ્રી ફોરવ્હીલર/ફોર વ્હીલર વેચવામાં આવે તો તેઓએ આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. જેવી કે, સાયકલ/ સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ વ્હીલર/થ્રી ફોરવ્હીલર/ફોર વ્હીલર ખરીદનારને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવો કે, મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી કોઈપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક વૈદ્ય પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ/બેટરી સંચાલિત વાહન વેચાણ કરનારે મેળવવાનો રહેશે. વેચાણ બિલમાં ખરીદનારનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબાઈલ નંબર લખવો, વેચાણ બિલમાં સાયકલ/બેટરીથી સંચાલિત વાહનના ફેમ નંબર/ચેસીસ નંબર અવશ્ય લખવા. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧૦/૦૯/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ જાહેરનામા બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવશે.
