સુરત
સુરતમાં બિલ્ડરો અને કાપડ વેપારીઓનું ૭૦૦ કરોડમાં ફૂલેકું ઉતારીને સુમિત ગોએન્કા સુરત છોડી ફરાર થઈ ગયો છે. કરોડો-અબજાેના ખેલ કરનારા સુમિત ગોયન્કા મોટા બિલ્ડરો અને કાપડવેપારીઓનું ૭૦૦ કરોડમાં ફૂલેકું ફેરવીને બિહાર ભાગી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતનો મોટાગજાનો બિલ્ડર કહેવતો સુમિત ગોયન્કા ફરાર છે. જેણે ઉધનાના એક બિલ્ડર પાસેથી અધધ ૨૫૦ કરોડ લીધા હતા. પોલીસથી બચવા તમામ આરોપીઓએ ફોન પણ બંધ કરી દીધા હતા. હાલમાં ૧.૬૫ કરોડની ચીટીંગના ગુનામાં વેસુ પોલીસ આરોપીઓના ઘરે તપાસ માટે ગઈ હતી. જાે કે કોઈ હાથમાં આવ્યા નથી અને ફોન પણ બંધ છે. અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે. સુમિત લેનદારોને વોટ્સએપ કોલ કરી ધમકી આપી રહ્યો છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. સુમિત એન્ડ ટોળકીએ સિટીલાઇટ સૂર્યા પેલેસમાં રહેતા બિલ્ડર અભિષેક ગૌસ્વામીને વીઆઇપી રોડના સોલેરિયમ પ્રોજેક્ટમાં ૧૫ દુકાન વેચી ૧.૫૪ કરોડ લીધા હતા. બિલ્ડર અભિષેકે ચેકથી ૫૪ લાખ આપ્યા હતા. આ કેસમાં શ્રેષ્ઠા ગૃપના ડેવલોપર્સના ભાગીદાર ભાવિન પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોયન્કા, રાજુસીંગ અને ઓમકાર સીંગની તપાસ કરવા પોલીસ તેમના ઓફિસ અને ઘરે ગઈ હતી. અભિષેકે જણાવ્યું કે સુમિતે ઉધનાના એક બિલ્ડર પાસેથી ૨૫૦ કરોડ, એક મોટા બિલ્ડરો પાસેથી ૩૦૦ કરોડ, કાપડના વેપારીઓ પાસેથી ૧૫૦ કરોડ લીધા છે. આ અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે.


