વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા દૂરવર્તી શિક્ષણમાં ડિપ્લોમા અભ્યાસક્રમ માટે વર્ષ 2023-24 માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12 પાસ કોઇપણ ઉંમરના વ્યક્તિ ઘરે બેઠાં કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ, જ્યોતિષ, વૈદિક ગણિત, યોગ અને સંસ્કૃત ભાષા વિષયનો અભ્યાસ કરી શકશે. યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવાનું શરૂ થઇ ગયું છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ છે.
આ અંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો (ડૉ.) લલિતકુમાર પટેલે જણાવ્યું હતું કે, આજનો યુવા વર્ગ રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ ના પરિપ્રેક્ષ્યમાં આપણી ભવ્ય પરંપરા, સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાન પ્રણાલીથી અવગત થાય તેવા હેતુથી યુનિ. દ્વારા દૂરવર્તી શિક્ષણનાં રૂપમાં વિવિધ U.G. ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. યુનિ.નાં કુલસચિવ ડૉ. દશરથ જાદવે જણાવ્યું હતું કે, ગયા વર્ષથી શરુ થયેલ દૂરવર્તી શિક્ષણમાં દેશ-રાજ્યના વિદ્યાર્થીઓનો ખૂબ સારો પ્રતિસાદ તમામ ડિપ્લોમા કોર્સને મળ્યો છે ત્યારે યુનિ. દ્વારા ચાલું વર્ષે વૈદિક ગણિત અને યોગનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે સાત કોર્સમા ડિપ્લોમા અભ્યાસ કરી શકાશે. રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવી લેવા માટે જણાવ્યું છે.
આ અનુસંધાને દૂરવર્તી શિક્ષણના વહીવટી અધિકારી ડૉ. રામ બાકુએ વધુમાં જણાવ્યું હતું કે, દૂરવર્તી શિક્ષણ માધ્યમથી ઘેર બેઠા ડિપ્લોમા અભ્યાસક્રમનો પ્રવેશ હાલ શરુ છે. જેમાં ધોરણ 12 પાસ કોઇ પણ ઉંમરના વ્યક્તિ આ ડિપ્લોમા અભ્યાસ કરી શકશે. ડિપ્લોમા અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારો કર્મકાંડ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, સંસ્કૃત લેંગ્વેજ, મંદિર વ્યસ્થાપન, વૈદિક ગણિત, યોગ વિષય ઉપર અભ્યાસ કરી શકશે. શ્રી સોમનાથ યુનિવર્સીટી દ્વારા ડિપ્લોમા અભ્યાસને લઇ ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવી રહ્યાં છે. તા. 15 જુલાઇ 2023થી ઓનલાઇન ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે અને તા. 15 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે.


